ગાંધીનગર: ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચના અનુસાર હાલ કોઈ પણ સરકારી કર્મચારી રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ શકશે નહીં. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અને તે પ્રમાણે સરકારી કર્મચારીઓ કોઈ પ્રચાર પણ કરી શકશે નહીં. મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી પણ કરી શકશે નહીં. આ સિવાય કોઈ રાજકીય પાર્ટીના સ્ટીકર અથવા કોઈ જાહેર થયેલા ઉમેદવાર માટેના કાર્ય પણ કરી શકશે નહીં.
સરકારી કર્મચારીઓએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ ?
ભારતમાં કાયદાથી સ્થપાયેલી સરકાર માટે વિદ્રોહકારી પ્રવૃત્તિમાં સરકારી કર્મચારી અથવા તેમના કુટુંબીજનો ભાગ લઈ શકશે નહીં. કોઈપણ સરકારી કર્મચારી ચૂંટણીમાં સીધી કે આડત્રી રીતે પ્રચારમાં જોડાઈ શકશે નહીં. તેઓ પોતે મતદાન કરી શકશે પરંતુ અન્ય મતદાતાઓને કોઈ ચોક્કસ પાર્ટીને મત આપવા અંગે સૂચન કરી શકશે નહીં.
સરકારી કર્મચારીઓ પોતાના શરીર, વાહન, રહેઠાણ પર કોઈ ચૂંટણી ચિન્હ પ્રત્યક્ષ પ્રદર્શિત કરી શકશે નહીં. દરેક સરકારી કર્મીએ મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તે માટે તમામ પ્રયત્નો કરવાના રહેશે. તેઓ રાજકીય સભામાં ભાષણ આપી શકશે નહીં. સભાનો આયોજન કરવામાં પણ સક્રિય થશે નહીં. જાહેર સ્થળ પર ચૂંટણી સભા યોજવા માટેની પરવાનગી આપતી વખતે કોઈ રાજકીય પક્ષ સાથે ભેદભાવ રાખવો નહીં. અધિકારીઓ ચૂંટણી સમયે કોઈ ઉમેદવાર માટે કામ કરી શકશે નહીં. મતદાન પર અસર થાય તેવું કોઈ પણ કાર્ય કરવું નહીં.