છોટાઉદેપુર: કવાંટ તાલુકાના રૂમડિયા ગામમાં જીવ તાળવે ચોંટાડી દે તેવી વર્ષો 200 વર્ષ જૂની પરંપરાને આજે પણ ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે. દર વર્ષે હોળીના ત્રીજા દિવસે યોજાતો આ જોખમી સ્ટંટ આસ્થા સાથે જોડાયેલો મેળો છે. આ પરંપરા રાજા રજવાડાનાં સમયથી પ્રચલિત છે. કવાંટ નજીક ભરાતો આ મેળો આદિવાસી સમુદાય માટે આકર્ષક મેળો છે. આ મેળાનો નજારો નિહાળવા માટે યુવાન યુવતીઓ અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે. આ નજારો વિશ્વમાં માત્ર બે જગ્યા પર જોવા મળે છે. એક સ્પેન દેશમાં અને બીજો ભારતમાં છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામે જોવા મળે છે. આ મેળાને જોવા માટે દેશ વિદેશના લોકો આવે છે.
કેવી રીતે યોજાય છે આ મેળો:
રૂમડિયા ગામની મધ્યમાં વર્ષો જૂના એક ઝાડના થડનો સ્થંભ છે. જેના ઉપર એક આડા લાકડાને બાંધવામાં આવે છે. એક છેડે દોરડું બાંધી તેના પર રાઠવા આદિવાસી સમાજના ડામરીયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકે છે. જ્યારે બામણીયા ગોત્રના છથી આઠ લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે. જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરૂદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે. તેથી આ મેળાને ગોળ ફેરિયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે.
માનતા પૂરી કરવા ગોળ ફેરિયા પર લટકે છે ગ્રામજનો
આ મેળા પાછળ લોકોની માન્યતા રહી છે કે પોતાના ઈષ્ટ દેવને રીઝવવા તેમજ જે લોકોએ બાધા રાખી હોય અને ઈચ્છા પૂર્ણ થઈ હોય તે લોકો આભાર વ્યક્ત કરી ગોળ ફેરિયાની બાધા કરવા આવતા હોય છે. ગામ લોકોની માન્યતા છે કે દર વર્ષે હોળીના ત્રીજા દિવસે ડામરિયા ગોત્રના પુરુષ ગોળ ફેરિયા પર લટકીને બાધામાંથી મુક્તિ મેળવે છે. ગામની આજુબાજુના લોકો પરંપરાગત ઢોલ વાંસળીના તાલ સાથે ગોળ ફેરીયાની ફરતે નાચગાન કરે છે.
મેળામાં ઘણાં લોકો આ મેળા માં મહાલવા આવે છે અને 25 જેટલાં ગોત્રના લોકો અમારાં ગામમાં નિવાસ કરે છે પણ માંચડા પર ત્રણ ગોત્રના લોકો જ ચઢી શકે છે, ડામરિયા ગોત્રના દોરડે લટકે છે, તડવલા ગોત્રના લોકો ગોળ ગોળ માંચડાને ફેરવે છે, અને પાછળ દાંડીના છેડે ઉંધા ડામરીયા ગોત્રના લોકો લટકે છે. આમ અમારા ગામમાં 200 વર્ષ જૂની આ પરંપરા છે, હોળીના ત્રીજા દિવસે આ મેળો ભરાય છે. આ મેળામાં માંચડો ફેરવવામાં નહીં આવે તો ગામમાં કંઇક અજુગતું બને તેવી માન્યતાને લઈને વર્ષે હોળીના ત્રીજા દિવસે આ મેળો ભરાય છે. - રાજુભાઈ રાઠવા, શિક્ષક