પંચમહાલ: ગુજરાતના મહિસાગર જિલ્લાના રહેવાસી એક વ્યક્તિએ ચાલુ કોર્ટમાં જ જજને લાંચ આપવાનો પ્રયત્ન કરતા સહુ ચોંકી ગયા હતા. આ શખ્સે પોતાના પક્ષે સુનાવણી ચાલુ કરવા જજને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલામાં આખરે આ શખ્સ સામે જ કાયદેસરની કાર્યવાહી થઈ છે. ઘટના અત્યંત ચોંકાવનારી અને આવું લગભગ ગુજરાતમાં ક્યાંય બન્યું હોય તેવું અત્યાર સુધી સામે આવ્યું નથી. કેસના ઝડપી નીકાલ માટે આ વ્યક્તિએ આમ કર્યું હોવાને મામલે પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે ઘટના એવી છે કે, મહિસાગર જિલ્લામાં રહેતા બાપુભાઈ સોલંકી ગોધરાની લેબર કોર્ટમાં આવ્યા હતા. બાપુભાઈ સોલંકી ખેડૂત છે. તે અગાઉ પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં નોકરી કરતા હતા. તે વખતે તેમને નોકરીમાંથી છૂટા કરી દેવાના મામલે કેસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023થી તેમનો કેસ કોર્ટ કાર્યવાહીમાં છે. જે કેસનો તેઓ ઝડપી નીકાલ થાય તેવી ઈચ્છા રાખતા હતા. ગઈકાલે 29મીએ લેબર કોર્ટમાં કોર્ટની કામગીરી ચાલી રહી હતી. તે જ સમયે બાપુભાઈ સોલંકીએ લેબર કોર્ટના જજને ચાલુ કોર્ટમાં જ એક કવર આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ જજને પોતાના કેસની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે આ કવર ઓફર કર્યું હતું.
ચાલુ કોર્ટમાં જજને આ પ્રમાણે કવર આપવાની બાપુભાઈ સોલંકીની હરકતને જોતા સહુ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે જજે આ કવરને સ્વીકાર્યા વગર બાપુ સોલંકીને આ કવર કોર્ટમાં જ ખોલવા કહ્યું. કવર ખુલતા તેમાં 35000 રૂપિયા હતા. આમ ચાલુ કોર્ટમાં જ જજને લાંચ આપવાનો પ્રયત્ન થતા ત્યાં હાજર સહુ કોઈ ચોંકી ગયા હતા.
તુરંત આ મામલાને લઈને ગોધરા લાંચ રુશવર વિરોધી બ્યુરો (એસીબી)ને જાણ કરવામાં આવી હતી. એસીબીએ તુરંત આ શખ્સને ઝડપી પાડી તેની વિરુદ્ધ લાંચ આપવાના મામલે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ શખ્સ પાસેથી લાંચની રકમ અને લાંચ આપવા માટે વપરાયેલું સફેદ રંગનું કવર પણ જપ્ત કરી લીધું છે. ઉપરાંત તેની ધરપકડ કરી તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.