ગાંધીનગરની પ્રસિદ્ધ કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં મહાઆરતી કરવામાં આવી હતી, દરમિયાન મા દુર્ગાના મુખારવિંદના દિવ્યદર્શનને દર્શાવતો ડ્રોન નજારો જોઈને લોકો મંત્રમુગ્ધ મુગ્ધ થયાં હતાં.
દર વર્ષે ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમના ગરબામાં અનોખી વિશેષતા જોવા મળે છે. ત્યારે ગઇકાલે આઠમા નોરતે મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં દીવડાઓથી મા દૂર્ગાના મુખારવિંદની આકૃતિ બનાવવામાં આવી છે.
આ વર્ષે મહાઆરતીમાં મા દુર્ગાના મુખારવિંદની આકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. આ ડ્રોન વીડિયોમાં મા દુર્ગાના મુખારવિંદના દિવ્યદર્શન કરી શકાય છે.
ગાંધીનગરમાં સેક્ટર-12 ખાતે વર્ષ 2006થી કલ્ચરલ ફોરમના ગરબાનું આયોજન કરવામાં આવે છે. જે ગુજરાતભરમાં ખુબ જ લોકપ્રિય છે. વર્ષ 2011થી ફોરમના ગરબામાં કરવામાં આવતી મહાઆરતીમાં દીવડાઓ થકી કોઇને કોઇ આકૃતિ બનાવવાની શરૂઆત થઇ હતી. જે હવે પરંપરા બની ગઇ છે અને દર વર્ષે અહીં યોજાતા ગરબા દરમિયાન આઠમના દિવસે મહાઆરતી વખતે દીવડાઓથી કોઇ દિવ્ય આકૃતિ બનાવવામાં આવે છે. આ વર્ષે મા દુર્ગાના મુખારવિંદની આકૃતિ બનાવવામાં આવી.