નવસારી: બીલીમોરામાં વખારીયા રોડ પાસે ગઈકાલે એક છ વર્ષની દીકરી ડૂબી જવાની કરુણ ઘટના બની હતી. 18 કલાક વિત્યા છતાં હજી સુધી દીકરીની કોઈ ભાડ મળી નથી શોધવા માટે નગરપાલિકાની ટીમ કામે લાગી છે
ખુલ્લી ગટર મોતનું કારણ: ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરો મોતને આમંત્રણ આપે એવી સ્થિતિ બને છે. ત્યારે બીલીમોરામાં પણ વખારિયા બંદર વિસ્તારમાં પાલિકાની લાપરવાહીને કારણે ખુલ્લી ગટર એક દીકરીના મોતનું કારણ બની છે. ગતરોજ બપોરે 2 વાગ્યાની આસપાસ રમતા રમતા શાહીન શેખ ભારે વરસાદમાં ખુલ્લી ગટરમાં પડી હતી. ગટરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી દીકરી તણાવવા લાગી હતી અને અંદાજે બે થી અઢી ફૂટના ડાયામીટરના પાઇપમાંથી ગટરમાં અંદર સુધી તણાઈ ગઈ હતી અને લાપતા થઈ ગઈ હતી.
દીકરી ખુલ્લી ગટરમાં ડૂબી ગઈ: દીકરી ઘરે ન પહોંચતા પરિવાર તેને શોધવા નીકળ્યો હતો અને છેક સાંજે વિસ્તારના સીસીટીવી તપાસતા દીકરી ખુલ્લી ગટરમાં ડૂબી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બીલીમોરા ફાયર તેમજ તંત્રની ટીમ દીકરીને શોધવા માટે કામે લાગી હતી.
18 કલાક બાદ પણ બાળકીનો પત્તો લાગ્યો નથી: પરંતુ ઘટનાએ એક નવો જ વળાંક લીધો વખારિયા બંદર નજીક અંબિકા નદી આવેલી છે આથી દીકરી ગટરમાં તણાઈને નદીમાં પહોંચી ગઈ હોવાની સ્થિતિ જાણતા આજે વહેલી સવારથી બીલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઈને બાળકીનો મૃતદેહ શોધવાના પ્રયાસો હાથ ધાર્યા છે. ઘટના બન્યાને 18 કલાક વિત્યા હોવા છતાં હજી સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી. ખુલ્લી ગટરને કારણે પોતાની વહાલસોયી દીકરી ગુમાવવાના દુઃખ સાથે પરિવાર અને સ્થાનિકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે ચોમાસામાં ખુલ્લી ગટરને જો બંધ કરવામાં આવી હોત અથવા કોઈ વ્યવસ્થિત કામગીરી થઈ હોત તો માસુમનો જીવ બચી આવી પરિસ્થિતતિમાં ન મૂકયો હોત.
SDRFની ટીમ બીલીમોરા ખાતે ડીપ્લોય કરવામાં આવશે: તમને જણાવી દઈએ કે, બીલીમોરા નગરપાલિકાની છ ટીમો અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં શોધખોળ કરી રહી છે. દીકરીને શોધવા માટે SDRFની ટીમ પણ બીલીમોરા ખાતે ડીપ્લોય કરવામાં આવશે. ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય નરેશ પટેલ પણ પરિવારની મુલાકાતે આવ્યા હતા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય એની તકેદારી પણ રાખવામાં આવશે સાથે જ પરિવારને પૂરતી મદદ કરવાની ખાતરી પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, તંત્ર કામે લાગ્યું છે આ સાથે મૃતદેહ નદીમાં ઘરકાવ થયો હોવાની આશંકા સાથે ડ્રોનની મદદથી મૃતદેહ શોધવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે દીકરીને વહેલા શોધી કાઢવાનું આશ્વાસન પણ આપ્યું છે.