ગીર સોમનાથ : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સોમનાથ પોલીસને મોટી સફળતા મળી છે. દમણથી દરિયાઈ માર્ગે ચોરવાડ તરફ આવી રહેલા પરપ્રાંતિય દારૂ અને બિયરના જથ્થા સાથે બે આરોપીને મધ દરીયે ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા મધ દરિયે ઓપરેશન : નવા વર્ષની ઉજવણીને લઈને દારૂની મોટા પાયે હેરાફેરી થઈ શકે છે, તેવી પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે ગીર સોમનાથ LCB પોલીસે મધ દરિયે ઓપરેશન પાર પાડીને શંકાસ્પદ બોટમાં રહેલો દારૂ અને બીયરનો જથ્થો પકડી પાડ્યો છે, તેની બજાર કિંમત 12 લાખ કરતા વધુ થાય છે.
બે આરોપી ઝડપાય, આઠ વોન્ટેડ : દમણથી દરિયાઈ માર્ગે ચોરવાડ તરફ લાવવામાં આવી રહેલા પર પ્રાંતીય દારૂ અને બિયરની 132 પેટી સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ પકડમાં રહેલા બંને આરોપી મૂળ દ્વારકાના હોવાનું સામે આવ્યું છે. આ સિવાય કોડીનારના નિતેશ અને મોહસીન સહિત દમણના છ ઈસમોને દારૂ મોકલવા અને મંગાવનાર તરીકે ઓળખી કાઢી ફરાર 8 ઇસમોને પકડી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગીર સોમનાથ પોલીસની કડક કાર્યવાહી : સમગ્ર મામલામાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ માધ્યમોને સાર્વત્રિક વિગતો આપતા જણાવ્યું હતું કે, નવા વર્ષની પૂર્વ સંધ્યાના દિવસો દરમિયાન પોલીસ દારૂની હેરાફેરી પકડી પાડવા માટે વિશેષ અભિયાન શરૂ કરતી હોય છે.ત્યારે દરિયાઈ માર્ગે પણ કોઈ બુટલેગરો દારૂની હેરાફેરી ન કરી શકે તે માટે ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પોલીસને સફળતા મળી છે.