ગીર સોમનાથ : સોમનાથ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સોમનાથ નજીકના દરિયાકાંઠા વિસ્તારમાં બીજા તબક્કાની દબાણ હટાવો કામગીરી શરૂ કરી છે. આજે વહેલી સવારથી જ સોમનાથ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓએ મરીને પોલીસ સ્ટેશન નજીક દરિયાકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલા કાચા પાકા દબાણોને દૂર કરીને 17 વીઘા જેટલી સરકારી જમીનને દબાણથી મુક્ત કરી છે. દિવાળી પૂર્વે દબાણ હટાવવાની પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત બીજા તબક્કાની દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે.
સરકારી જમીન પર હતું દબાણ : પાછલા કેટલાંક વર્ષોથી સોમનાથ અને વેરાવળનો દરિયાકાંઠાનો વિસ્તાર કે જેની જમીન પડતર અથવા તો બિનઉપયોગમાં હતી તેવી તમામ જમીનો પર દબાણ કરતાં ઈસમો દ્વારા તેમના કાચા પાકા બાંધકામો ઉભા કરીને સરકારી જમીન પર દબાણ કર્યું હતું. અગાઉ સોમનાથ નજીક વિસ્તારમાં પણ ત્રણ હેકટર કરતાં વધારે સરકારી જમીનમાં કરવામાં આવેલું દબાણ દૂર કરાયું હતું. તેવી જ રીતે અહીં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણ હટાવવાની કામગીરી આગામી દિવસો દરમિયાન પણ શરૂ રહી શકે છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય તે માટે પોલીસે તમામ તકેદારીના પગલાં સાથે સંયુક્ત રીતે દબાણ હટાવો ઓપરેશન શરૂ કર્યું છે.
વહીવટી તંત્ર અને પોલીસ સતર્ક : દબાણ હટાવવાની કામગીરીમાં વહીવટી તંત્રની સાથે પોલીસની ટીમ પણ ખડેપગે છે. પોલીસ દ્વારા જે લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું છે તે તમામને નોટિસ ઈસ્યુ કરીને તેમનું દબાણ સ્વેચ્છાએ હટાવી લેવા માટે વિનંતી પણ કરી હતી જે પૈકીના 40 ટકા કરતાં વધુ દબાણકારોએ તેમનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કર્યું છે. પરંતુ જે લોકોએ દબાણ દૂર કર્યું નથી તેને આજે પોલીસ અને વહીવટી તંત્ર દૂર કરી રહ્યું છે. પોલીસે જે લોકોને નોટિસ આપી છે તેવા આસામીઓને જમવા સહિતની અનેક વ્યવસ્થાઓ સોમનાથ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવી છે. અન્ય કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજની કામગીરીથી અંદાજિત 17 વીઘા કરતા વધુ સરકારી જમીન પરનું દબાણ દૂર થાય તેવી પૂરી શક્યતા છે.
કલેકટર અને એસપીએ આપી વિગતો : સોમનાથ જિલ્લા કલેકટર એચ કે વઢવાણિયાએ માધ્યમ સાથેની વિગતો આપતા જણાવ્યું હતું કે સોમનાથ નજીક સર્વે નંબર 1852 ની જમીન શ્રી સરકાર હસ્તકની છે. અહીં પ્રથમ તબક્કામાં 700 ચોરસ મીટર પર 21 અને બીજા તબક્કામાં ત્રણ હેક્ટર વિસ્તારમાં 153 કાચા પાકા મકાનો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ડે.કલેકટર પાંચ મામલતદાર અને વહીવટી તંત્રના 100 કર્મચારીઓની હાજરીમાં કામ શરૂ કરાયું છે. સરકારના પરિપત્ર મુજબ સરકારી જમીન દબાણથીમુક્ત થયા બાદ અહીં સ્ટોન અને તાર ફેન્સીંગ યુદ્ધના ધોરણે શરૂ કરાશે. જેથી ફરી વખત કોઈ દબાણકારો દ્વારા સરકારી જમીન પર દબાણ ન કરાય.
એસપીએ આપી વિગતો : સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ મધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં પણ અહીં 2.5 એકર જમીનમાં વ્યાપારિક દબાણો હતા. તેને દૂર કરવામાં આવ્યા છે ત્યારે આજે બીજા તબક્કામાં સોમનાથ મંદિર ટ્રસ્ટ અને શ્રીસરકારની જમીનો પરથી દબાણનો દૂર કરવાની કામગીરી થઈ રહી છે. જેમાં 02 એસઆરપીની કંપની 500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં રેપિડ એક્શન ટીમ ફાયર ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત તમામ પ્રકારની ચુસ્ત સુવિધાઓ સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે.