ગીર સોમનાથઃ ગીર જંગલ અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ 2 અને શિંગોડા ડેમ ઓવરફ્લો થયા છે. જેથી જિલ્લાની પીવાનું પાણી અને સિંચાઈના પાણીની જરુરિયાત મેઘરાજાએ ગણતરીના દિવસોમાં જ પૂરી કરી છે. હિરણ 2 ડેમના 2 દરવાજા અડધો મીટર અને શિંગોડા ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે.
વહીવટી તંત્રએ આપી સૂચનાઃ હજૂ પણ ઉપરવાસમાંથી વરસાદી પાણી ડેમ તરફ આવી રહ્યું છે. જેને કારણે ડેમમાંથી સંગ્રહિત વરસાદી પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. તેથી હિરણ અને સ્થાનિક નદીઓમાં પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. આ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રે લોકોએ નિચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સલામત સ્થળે ખસી જઈને નદીના પટમાં અવર જવર ન કરવાની સૂચનાઓ આપી છે.
ડેમના પાણીનો ઉપયોગઃ હિરણ અને શિંગોડા ડેમના સંગ્રહિત પાણીના જથ્થાનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન પીવા માટે અને સિંચાઈના ઉપયોગ માટે છોડવામાં આવે છે. વધુમાં આ બંને ડેમો જંગલ વિસ્તારમાં હોવાથી વન્યજીવ પ્રાણીઓને પણ વર્ષ દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા આ ડેમ માંથી સમયાંતરે કરવામાં આવે છે.