ગાંધીનગર : લોકસભાની ચૂંટણીનો સળવળાટ ગુજરાત રાજ્યના વહીવટી વિભાગમાં પણ થઈ રહ્યો છે. તાજેતરમાં 50 IAS ઓફિસર્સની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાતના GAS ઓફિસર્સની બદલીની માહિતી સામે આવી છે. જેમાં વિવિધ વિભાગના GAS ઓફિસર્સને બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે 1 ફેબ્રુઆરીએ GAS ઓફિસર્સની બદલી સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. જેના અનુસાર સિનિયર સ્કેલ GAS ઓફિસર એન. કે. મુછારને રાજકોટ જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ તેઓ વડોદરામાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના નિયામક હતા. જ્યારે રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી C. A. ગાંધીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત વહીવટી સેવાના સિનિયર સ્કેલ અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે. જેમાં આર.જી. આલને ગીર સોમનાથના રહેવાસી અધિક કલેક્ટર તથા ગાંધીનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે.પી. જેઠવાની બદલી કરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજરની જવાબદારી સોંપાઈ છે, જેમાં બી.આર. સાગરને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા છે.
ઉપરાંત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર એમ.એચ. પટેલની ગાંધીનગરના મહિલા અને બાળ વિકાસ કમિશનરેટમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. સુરેન્દ્રનગરના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. રાયજાદાની બદલી કરી પોરબંદરના નિવાસી અધિક કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.