જૂનાગઢ: લસણ અને ડુંગળીની બજારમાં ઐતિહાસિક ભાવ વધારો જોવા મળી રહ્યો છે. વાવેતર વિસ્તારમાં ઘટાડાને ડુંગળી અને લસણના ઉત્પાદનના ઘટાડાની સાથે બજાર ભાવમાં વધારા માટે કારણભૂત માનવામાં આવી રહ્યો છે. આગામી 2 મહિના સુધી ડુંગળી અને નવું વાવેતર બજારમાં ન આવે ત્યાં સુધી લસણના બજાર ભાવોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતાને વેપારીઓ નકારી રહ્યા છે.

લસણ અને ડુંગળીમાં તેજી: લસણ અને ડુંગળીના બજાર ભાવોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. અતિ ભારે વરસાદના લીધે ડુંગળી અને લસણના વાવેતર વિસ્તારમાં થયેલા ઘટાડાને ભાવ વધારા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢના જથ્થાબંધ બજારમાં પ્રતિ 1 કિલો ડુંગળીના બજાર ભાવ 40 રૂપિયાની આસપાસ જોવા મળ્યા હતા. ત્યારે લસણમાં 250 થી લઈને 300 જથ્થાબંધ બજારમાં ભાવ જોવા મળ્યો હતો. વરસાદના લીધે ડુંગળી અને લસણનું ઉત્પાદનમાં બંન્નેની આવક નહીવત થતા તેના બજારભાવોમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાત સહિત UP અને MPમાં લસણના પીઠા: સામાન્ય રીતે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ગુજરાતની સાથે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી લસણનો જથ્થો વેચાણ અર્થે આવી રહ્યો છે. પરંતુ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશની સાથે ગુજરાતમાં પણ લસણનું વાવેતર એકદમ ઓછું થયું છે. જેને કારણે પાછલા કેટલાક વર્ષોથી લસણના બજાર ભાવોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.
છૂટક બજારોમાં લસણના 1 કિલો ભાવ: હાલ લસણની નવી સિઝન 3 મહિના બાદ શરૂ થશે. ત્યાં સુધી આ જ પ્રકારે લસણના બજાર ભાવો જોવા મળી શકે છે. ખેતીનું ઉત્પાદન ખર્ચ વધવાની સાથે લસણનું વાવેતર હવે ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં ઘટી રહ્યું છે. જેની વિપરીત અસર પુરવઠા પર પડી રહી છે. જેને કારણે સ્થાનિક છૂટક બજારોમાં લસણના પ્રતિ 1 કિલોના ભાવ ખૂબ જ ઐતિહાસિક સ્તરે જોવા મળે છે.