બનાસકાંઠા: 2024 લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર અને ભાજપ તરફથી રેખાબેન ચૌધરીને મેદાને ઉતારવામાં આવ્યા હતા. જેમાં વાવના વિધાનસભના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.ખાસ તો જે વિસ્તારમાંથી ગેનીબેનને સૌથી વધુ મત મળ્યા છે તે ગેનીબેનનું સાસરૂ દિયોદરનું કોતરવાડા ગામ છે. સૌથી વધુ દિયોદર વિસ્તારમાંથી ગેનીબેન ઠાકોરને 25000થી વધુની મતની લીડ મળતા તેમના સાસરીયા ગામે સાસરિયાઓ દ્વારા ગેનીબેન ઠાકોરની સાકર તુલા સાથે સભાનું આયોજન કર્યુ હતું. જેમાં બનાસકાંઠાના આ ઊભરતા સાંસદનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. અહીં જાણવા જેવી બાબત એ છે કે, ગેનીબેન ઠાકોરે સાસરીયામાં જૂની પરંપરા જાળવી માન મોભો સચવાય તે રીતે ઘુંઘટ તાણી સભામાં પહોંચ્યાં અને સૌ વડીલોને આદર પ્રણામ કર્યા હતા.
માન મોભો અને મર્યાદા: ગામ લોકો એ ઢોલ વગાડી ભારે ઉમળકાભેર ગેનીબેનનું સ્વાગત કર્યું હતું. ગેનીબેન ઠાકોરે સૌ પ્રથમ શંકર ભગવાનના મંદિરે દર્શન કરી સભા સ્થળે પહોંચ્યા હતાં. આ સભામાં તેઓએ ઘુંઘટ કાઢી સભાને સંબોધન કર્યું હતું, અને પરંપરાગત સાસરી પક્ષની મર્યાદા જાળવી હતી. ભારતના પ્રથમ કદાચ મહિલા સાંસદ હશે કે જેઓએ ઘૂંઘટ કાઢી સભા સંબોધન કર્યું હોય.
માતાજીનો ફોટો આપી સ્વાગત: કોતરવાડા ગામના લોકોએ ચામુંડા માતાજીનો ફોટો આપી સાંસદ ગેનીબેનનું સ્વાગત કર્યું હતું, સાથે આવનાર કોંગ્રેસ અગ્રણીઓનું પણ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દિયોદરના પૂર્વ ધારાસભ્ય સિવાભાઈ ભુરીયા, કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, નરસિંહભાઈ દેસાઈ, ઠાકરસિંહ રબારી, બીકે જોષી તેમજ દિયોદર તાલુકાના કાર્યકર્તા અગ્રણી યુવાનો સાથે ભાભર, વાવ વિસ્તાર અગ્રણીઓ, કોતરવાડા ગામના આગેવાનો, યુવાનો, બહેનો મોટી સંખ્યામાં સભામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.