જુનાગઢ: જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમના દિવસે ગંગા દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ગંગા દશેરાનું પર્વ મનાવવામાં આવ્યું હતુ. કહેવાય છે કે, આજના દિવસે ગંગા માતાનું પૃથ્વી પર અવતરણ થયું હતું તેને લઈને જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમના દિવસે ગંગા દશેરાનો તહેવાર મનાવાય છે.
આજે ગંગા દશેરા નો તહેવાર: જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમ એટલે કે આજે પવિત્ર ગંગા દશેરાનો તહેવાર મનાવવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સાથે આજે કન્યાઓ દ્વારા મહાદેવ પર જળાભિષેક કરીને વિશેષ પ્રકારે ગંગા દશેરાનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પંડિતો અને કલેક્ટર સહિત મોટી સંખ્યામાં સોમનાથ દર્શન કરવા માટે આવેલા શિવ ભક્તો પણ જોડાયા હતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ થયા મુજબ જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમના દિવસે પૃથ્વી પર ગંગા માતાનું અવતરણ થયું હતું. તેથી આજના દિવસે ગંગા દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે.
ત્રિવેણી સંગમ ઘાટ ખાતે કરાયું આયોજન: આજે ગંગા દશેરાના તહેવારની ઉજવણીનું આયોજન હિરણ કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું. આ જગ્યા પર ત્રણેય નદીઓ નું મેરામણ સાથે સંગમ થાય છે. આ એજ જગ્યા છે કે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ તેમના બાંધવોની મુક્તિ માટે તર્પણ પણ કર્યું હતું. જેથી ગંગા દશેરા ની ઉજવણી ત્રિવેણી સંગમ ઘાટ ખાતે વિશેષ મહત્વની બની રહી હતી.
ગંગા દશેરાનું મહત્વ: ગંગા દશેરાનું શાસ્ત્રોત મહત્વ સનાતન ધર્મના ગ્રંથોમાં પણ જોવા મળે છે. જે રીતે બ્રહ્માજીના કમંડળમાંથી સ્વર્ગ લોક થઈને મહાદેવની જટાઓમાંથી પસાર થઈને ગંગા માતા પૃથ્વી પર અવતરિત થયા હતા. ગંગા માતાને ગંગા સાગર સુધી પહોંચતા જેઠ સુદ એકમ થી લઈને દશમ એટલે કે કુલ 10 દિવસ થયા હતા, એટલે જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમના દિવસે સનાતન ધર્મમાં ગંગા દશેરાનો તહેવાર મનાવાય છે.
દશ કન્યાઓ દ્વારા જળાભિષેક: ગંગા દશેરાના પાવન અવસરે દસ કન્યાઓ દ્વારા, પવિત્ર ગંગાજળથી મહાદેવની પ્રતિમાને ગંગાજી અવતરણ અભિષેક કરાયો હતો. ગંગા માતાના અવતરણની પ્રાર્થના અને ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે મહાદેવ પર ગંગાજળનો અભિષેક કર્યો હતો. મહાદેવ પર કરવામાં આવેલા ગંગાજળના અભિષેકનું પવિત્ર જળ ત્રિવેણી સંગમ ખાતે હિરણ કપિલા અને સરસ્વતી નદીના જળમાં મળીને સમુદ્ર સાથે તેનું સંગમ થયો હતો.
વિશેષ મહા આરતીનું આયોજન: ત્રિવેણી સંગમ ઘાટ ખાતે આજે વિશેષ મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓની સાથે મહાદેવના દર્શન કરવા માટે આવેલા શિવભક્તો પણ જોડાયા હતા. તીર્થ પુરોહિત અને સોમપુરા બ્રાહ્મણો દ્વારા પણ આજના ગંગા દશેરામાં વિશેષ હાજર રહ્યા હતા. આજના દિવસે પવિત્ર નદી સરોવર કે કોઈ પણ પ્રકારના જળને કચરો કે અન્ય પ્રદૂષિત પદાર્થો નાખીને પ્રકૃતિની સાથે જળસૃષ્ટિને પ્રદુષિત નહીં કરવાનો સંકલ્પ પણ ઉપસ્થિત સૌ કોઈએ લીધો હતો.