કચ્છ: છેલ્લા 80 વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ભાગ્યે જ જોવા મળે તેવી પરંપરાના દર્શન લોકોને જોવા મળે છે. કચ્છના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિજીની સ્થાપના કરી તેમને પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. વર્ષ 1947ની ભારતની આઝાદી પહેલાં જ્યારે કચ્છમાં ક્યાંય પણ સાર્વજનિક ગણેશ ચતુર્થી ઉજવવવામાં આવતી ન હતી. તે સમયે મહારાષ્ટ્રના પોલીસકર્મીઓ દ્વારા કચ્છમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે પણ નિભાવવામાં આવે છે.
ગણેશજીને અપાય છે ગાર્ડ ઓફ ઓનર: આજે ગણેશચતુર્થીના દિવસે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વર્ષ 1944થી શરૂ થયેલી વિશેષ ઉજવણીના ભાગ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિ લાવી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ગણેશજીની મૂર્તિ સાથે તેમની યાત્રા નીકળે છે. આ યાત્રામાં પોલીસકર્મીઓ અને પોલીસલાઈનમાં રહેતા પરિવારજનો જોડાય છે. ભુજ શહેરના જાહેર રસ્તાઓ પર ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે નાચતા ગાજતા ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવે છે.
મહારાષ્ટ્રથી ગણેશજીની મૂર્તિ મંગાવાય છે: DYSP એ.આર.ઝનકાત માહિતી આપતા જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં અગાઉ મહારાષ્ટ્રીયન પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે અહીં રહેતા હતા. ત્યારે જેમ બધા જાણે છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. ત્યારે એક સાથે અનેક પોલીસકર્મીઓને ગણેશ ચતુર્થી માટે પોતાના વતન જવાની રજા ન મળતાં તે સમયે મરાઠી પોલીસકર્મીઓ દ્વારા કચ્છમાં જ ગણેશ ચતુર્થીની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવતી હતી. ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.
ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ મૂર્તિનું વિસર્જન: ઉલ્લેખનીય છે કે, પોલીસકર્મીઓ દ્વારા થતી ઉજવણીમાં ખાસ મહારાષ્ટ્રથી ગણેશજીની મૂર્તિ મંગાવી તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ત્યાર બાદ સમગ્ર શહેરમાં અને પોલીસલાઈન વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ સાથે રવાડી કાઢવામાં આવે છે. ગણપતિજીની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી ભક્તિભાવથી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો 10માં દિવસે અનંત ચૌદસના ફરી ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
આ પણ વાંચો: