રાજકોટ: રાજકોટ તાલુકાના ત્રંબા ગામે ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જનમાં ગયેલા રાજકોટના ચાર સગીર પાણીમાં ડૂબી જતા ત્રિવેણી સંગમ ખાતે હાજર લોકોએ ત્રણ સગીરને બચાવી લીધા હતા જયારે એક સગીરને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, પાણીમાં ડૂબી જનાર તમામ સગીર રાજકોટના રૂખડિયાપરામાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના ત્રંબા ગામે ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જન કરવા ગયેલા રાજકોટ રૂખડિયાપરાના ચાર સગીર ત્રિવેણી સંગમના ઘાટ નજીક ડૂબવા લાગતા સ્થળ ઉપર હાજર સ્થાનિક લોકોએ ચાર પૈકી ત્રણને તત્કાલ મદદ પહોંચાડી બચાવી લીધા હતા. આ ઘટનામાં લક્કી અશોકભાઈ મકવાણા ઉ.15 નામનો સગીર ઊંડા પાણીમાં ગરક થતા બેભાન થઇ જતા સારવાર માટે 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે ચાર-ચાર સગીર ડૂબી જતા પોલીસ તેમજ તાલુકા મામલતદાર સહિતની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી. જો કે, ઊંડા પાણીમાં ગણેશ વિસર્જનની મનાઈ હોવા છતાં અનેક લોકો મંગળવારે ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જન માટે પહોંચી જતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.આ અંગે ગ્રામ્ય મામલતદાર મકવાણે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં તંત્ર ટિમો તરત પોહચી ગઈ હતી અને લોકોને તકેદારી રાખવા સતત સૂચન પણ કરવામાં આવ્યું હતું.