ગાંધીનગરઃ 29મી જૂન શનિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો તા. 29મી જૂનના રોજ સવારે 8થી 11 દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ આવીને કરી શકશે.
આ મહિને શનિવારે સ્વાગત ઓનલાઈનઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે 3.30 કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના 4થા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તા. 26 થી 28 દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા હોવાથી દર મહિને નિયમિત 4થા ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત કાર્યક્રમ શનિવાર તા. 29મી જૂને યોજવામાં આવ્યો છે.