અમદાવાદ: ગુજરાતના ગામડાઓની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વ-સહાય જૂથોના માધ્યમ થકી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે ચાલતા આદ્યશક્તિ સખી મંડળની બહેનો વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, "અત્યાર સુધી અમારી કોઈ ઓળખ ન હતી, પણ આજે અમને ગર્વ છે કે સખી મંડળ થકી અમે જાતે અમારી ઓળખ બનાવી છે."
‘સખી સંવાદ’ કાર્યક્રમ: મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે ‘સખી સંવાદ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વ-સહાય જૂથની બહેનો સાથે હ્રદયસ્પર્શી સંવાદના કર્યા હતા. આ સાથે જ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ ભોજનનો સ્વાદ માણી મુખ્યમંત્રીએ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સખી સંવાદમાં બહેનોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. ચાલો જાણીએ તેઓએ શું કહ્યું હતું.
બહેનો આજે પોતાની આવકથી આત્મનિર્ભર: વર્ષ 2010થી ચાલતા આ મંડળની 18 બહેનો આજે પોતાની આવકથી આત્મનિર્ભર બની છે. આ મંડળના પ્રમુખ પુરીબેન મુંધવા જણાવ્યું હતું કે, પહેલા મંડળની બધી બહેનો મહિને 500 રૂપિયાની બચત કરતા હતા. મંડળ માત્ર તેમના માટે બચતનું એક માધ્યમ હતું, પણ આજે આ મંડળ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બન્યું છે.
- પુરીબેન મુંધવા: મંડળના પ્રમુખ
પુરીબેને વધુમાં જણાવતા કહ્યું હતું કે, "અમે ગામડાની બહેનો આ પહેલા ક્યારેય બહાર એકલી નીકળી ન હતી, પણ આજે અમે ગાંધીનગર સુધી પહોંચ્યા તે માત્ર મંડળ થકી શક્ય બન્યું છે. મંડળની મહિલાઓ બધી ગૃહિણી એટલે રસોઈમાં પારંગત અને જુદી જુદી રસોઈ બનાવવા અને શીખવામાં પણ ઘણો રસ ધરાવે છે, એટલે આ રીતે તેમણે રસોઈનો ઓર્ડર લેવાનું ચાલુ કર્યું છે. નાના-મોટા પ્રસંગોમાં 30 થી 50 માણસોના ઓર્ડર લેતા થયા. પછી ધીમે ધીમે ઓળખ અને કામ બંને વધતું ગયું. હવે તેમને કાયમી કામ મળી ગયું છે. જામખંભાળિયા ખાતે જિલ્લા પંચાયતની કેન્ટીન ચલાવી અમે 18 મહિલાઓ વરસે રૂપિયા 10 થી 12 લાખની આવક મેળવીએ છીએ. વર્ષ 2010 પહેલા ક્યારેય વિચાર્યું પણ ન હતું કે અમારી રસોઈ કળા અમને આટલા પૈસા રળી આપશે! આજે એ શક્ય બન્યું છે જેનો સંપૂર્ણ શ્રેય સખી મંડળને જાય છે. આજે અમારા કામ થકી અમને ઘર, સમાજ, ગામમાં પણ ખૂબ માન-સન્માન મળે છે." આ બધું સરકારના એક સચોટ નિર્ણય અને મહિલા વિકાસની યોજનાઓની દેન હોવાનું જણાવતા દેવી ભૂમિ દ્વારકાના મંડળની તમામ બહેનો ફરીથી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
"અમારી રસોઈ કળા અમને આટલા રૂપિયા રળી આપશે એ પહેલા ક્યારેય વિચાર્યું ન હતું પણ તે સખી મંડળે સાર્થક કર્યું છે." પુરીબેન મુંધવા, મંડળના પ્રમુખ
- સંતુબેન પરમાર:સખી બચત મંડળ-રૂપાલ ( જિલ્લા-ગાંધીનગર)
‘સખી સંવાદ’માં મુખ્યમંત્રી સાથે વાત કરતા સંતુબેન પરમારે કહ્યું હતું કે, તેઓનું બચત મંડળ ગોટાનો તાજો લોટ તૈયાર કરીને તેનો વ્યવસાયિક રીતે મોટા પાયે વેચાણ કરે છે. આ સિવાય તેમના સખી મંડળની બહેનો દ્વારા પોલીટેકનીક-ગાંધીનગર ખાતેની કેન્ટીન ચલાવવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના તાજા નાસ્તા સિવાય માત્ર રૂપિયા 50માં વિદ્યાર્થીઓને ફિક્સ ડીસ પીરસવામાં આવે છે. આ વિવિધ પ્રકલ્પો દ્વારા તેઓનું સખી મંડળ વાર્ષિક રૂપિયા 1 કરોડની કમાણી કરે છે.
તેમણે મુખ્યમંત્રી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજના મહાત્મા મંદિર ખાતેના સખી સંવાદ કાર્યક્રમમાં ભોજન પણ તેમની સખી મંડળની બહેનોના દ્વારા બનાવવામાં આવ્યું છે. આજના ભોજન માટે સંતુબેને મુખ્યમંત્રી સહિત મહાનુભાવોને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. જેનો મુખ્યમંત્રીએ સહર્ષ સ્વીકાર કરીને તેમની સાથે મહાત્મા મંદિરમાં ભોજનનો સ્વાદ માણીને સખી મંડળ બહેનોની પ્રોત્સાહિત કરી હતી.
- ભૂમિકાબેન બીરારી: અંબિકા સખી મંડળ-ડાંગ
ગાંધીનગર ખાતે આયોજિત “સખી સંવાદ” કાર્યક્રમમાં મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે રાજ્યની કેટલીક સખી મંડળની બહેનો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન ડાંગ જિલ્લાના અંબિકા સખી મંડળના ભૂમિકાબેન બીરારીએ મુખ્યમંત્રી સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, તેઓનું સખી મંડળ ડાંગ જિલ્લાના દેશી કઠોળ અને નાગલીમાંથી ચકરી, પાપડી, બિસ્કીટ, સેવ જેવી વિવિધ વસ્તુઓ બનાવે છે. ભરપૂર માત્રામાં કેલ્શિયમ ધરાવતા નાગલીમાંથી બનેલી વસ્તુઓ ઉપરાંત પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા હળદરનું વેચાણ કરીને અંબિકા સખી મંડળ વાર્ષિક રૂપિયા 25 લાખથી વધુની આવક મેળવી રહ્યું છે.
મુખ્યમંત્રીએ વેચાણ અંગે કરેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભૂમિકાબેને જણાવ્યું હતું કે, અંબિકા સખી મંડળના તમામ ઉત્પાદનોનું વેચાણ તેઓ ડાંગના સાપુતારા મેઈન રોડ ખાતે સ્થિત તેમના એકમાત્ર આઉટલેટ-અંબિકા હળદર ફાર્મ ખાતેથી કરે છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય સચિવ રાજકુમારે તેમના અંબિકા હળદર ફાર્મની મુલાકાત લીધી હતી, તેમ જણાવી ભૂમીકાબેને મુખ્યમંત્રીને પણ તેમની ડાંગ મુલાકાત દરમિયાન અંબિકા હળદર ફાર્મની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
- કલ્પનાબેન: ગણેશ સખી મંડળ-મધવાસ, (કાલોલ-પંચમહાલ)
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાત્મા મદિર ખાતે સ્વ-સહાય જૂથના શ્રી કલ્પનાબેન સાથે તેમના સખી મંડળની કામગીરી-વ્યવસાય વિશે સંવાદ કર્યો હતો. જેમાં કાલોલના મધવાસના કલ્પનાબેને કહ્યું હતું કે, તેઓ રાજ્ય સરકારની સ્વ-સહાય જૂથ યોજનાના માધ્યમથી ગણેશ મહિલા સખી મંડળ ચલાવે છે. જેમાં આજુબાજુની આઠ આંગણવાડીમાં ભૂલકાઓ માટે ગરમ ગરમ સુખડી તૈયાર કરીને પહોંચાડે છે. આ દ્વારા તેઓના મંડળને વાર્ષિકરૂપિયા 15 લાખ જેટલી આવક થાય છે. આ વિતરણ બદલ ચેક દ્વારા તેમના સખી મંડળના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાનો વધુ લાભ લઇને અમે ગુજરાત લાઈવલીહૂડ કંપનીના સહયોગથી હજી બીજી વધારે આંગણવાડીઓ સુધી સુખડી પહોંચાડવા માંગીએ છીએ જેથી સ્વ-સહાય જૂથની બહેનોની આવક વધે-વધુ આર્થિક પગભર બનીને વધુ સારૂ જીવન જીવી શકે છે. આવી મહિલાઓને આત્મનિર્ભર બનાવતી યોજના બદલ તેમને સખી મંડળ વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
- ગીતાબેન સોલંકી: બહુચર સખી મંડળ (સરસવણી- મહેમદાવાદ)
સખી સંવાદમાં સહભાગી થતા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના શ્રી બહુચર સખી મંડળ સ્વ-સહાય જૂથના સખી શ્રી ગીતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ મિશન મંગલમના ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીની મદદથી સ્વ-સહાય જૂથ ચલાવી રહ્યાં છે. તેઓ હસ્તકલાની મદદથી ભેટ અને સુશોભનમાં વપરાતા તોરણો, ટોપલા, ઝુમ્મર વગેરે જેવી અનેક વસ્તુઓ બનાવે છે.
આ વસ્તુઓને તેઓ ગુજરાતના વિવિધ લોકમેળાઓમાં આ ઉપરાંત તેઓ ખાદી ગ્રામ ઉદ્યોગ મેળા, સરસ મેળામાં પણ વેચાણ કરે છે. તેઓ પંજાબ, ઓડીશા, આસામ જેવા રાજ્યોમાં જઈને પણ પ્રદર્શન કરી વેચાણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમના આ સ્વ-સહાય જૂથને પ્રદર્શન માટે ઓડીશાના મુખ્યમંત્રીશ્રી, આસામના પૂર્વ મુખ્યમંત્રી શ્રી તરૂણ ગોગોઈના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. ગીતાબેન ગુજરાતના વિવિધ સાત જિલ્લાઓમાં ટ્રેનર તરીકે અન્ય મહિલાઓને તોરણ બનાવવાની તાલીમ આપે છે. આમ તેઓ અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી સમાજમાં ઉમદા ઉદાહરણ પુરું પાડી રહ્યાં છે.