ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) બોર્ડ પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે, જેમાં ગાંધીનગર જિલ્લામાં 87.22 ટકા સૌથી વધુ પરિણામ આવ્યું છે. જ્યારે 74.57 ટકા સાથે પોરબંદર સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. ETV Bharat દ્વારા ગાંધીનગર જિલ્લાના સૌથી ઊંચા પરિણામ પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના તારણના આધારે જાણો શા માટે ગાંધીનગર અવ્વલ રહ્યું...
SSC બોર્ડ પરિણામમાં ગાંધીનગર અવ્વલ : ગુજરાતમાંથી કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડ પરીક્ષા આપી હતી, જેમાંથી 82.56 ટકા પરીક્ષાર્થી સફળ રહ્યા હતા. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં દાલોદ (અમદાવાદ ગ્રામ્ય) અને તલગાજરડા (ભાવનગર) 100 ટકા પાસિંગ સાથે પ્રથમ છે. જ્યારે 87.22 ટકા પરિણામ સાથે ગાંધીનગર સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રહ્યો છે.
- ધોરણ 10 માં 93.33 ટકા લાવનાર પ્રથમ ભાવસારે જણાવ્યું કે, અમે ટ્યુશન વગર આ પરિણામ હાંસલ કર્યું છે. મેં બોર્ડ પરીક્ષાની એક માસ પહેલા ટીવી અને મોબાઈલ જોવાનું નહીવત કરી દીધું હતું. દરરોજ સવારે ટાઈમ ટેબલ બનાવી સિલેબસ કમ્પ્લીટ કરતો હતો.
શિક્ષણ વિભાગની સતત દેખરેખ : જિલ્લા શિક્ષણાધિકારી એ. વી. પ્રજાપતિએ જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લાનું પરિણામ ઉત્તમ આવે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું. એસયુએસની મીટીંગો નિયમિત થતી અને ગાંધીનગર જિલ્લામાં આવેલ શાળા સંચાલકો સાથે અમે નિયમિત સંપર્કમાં હતા. ગાંધીનગર જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓને રાજ્ય સરકાર તરફથી 72 નવા આચાર્ય મળ્યા છે. આ નવા આચાર્ય થકી શાળાની કામગીરી વેગવંતી બની છે.
- અન્ય એક વિદ્યાર્થિની નુરેસબાખાન પઠાણે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષામાં મને 91.67 ટકા આવ્યા છે. મને માતા-પિતા અને શિક્ષકોનો સાથ ખૂબ જ મળ્યો છે. મેં પરીક્ષામાં સફળતા મેળવવા માટે માસિક આયોજન કર્યું હતું. દરરોજ ચોક્કસ ચેપ્ટરનો અભ્યાસ કરવાનું આયોજન કર્યું અને પરીક્ષા પહેલા એક મહિનાનું આગોતરું આયોજન કર્યું હતું.
નબળા વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે પ્રયાસ : નબળા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી મહેનત અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, ગાંધીનગરમાં આ વર્ષે 100 ટકા પરિણામ લાવનાર શાળાની સંખ્યા 19 થી વધીને 54 થઈ છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં ઓછા પરિણામ લાવનાર શાળાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ શાળાના આચાર્ય સાથે મીટીંગ કરીને નબળા વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ પ્રકારના વર્ગ પણ શરૂ કરવામાં આવ્યા હતા. નબળા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શિક્ષકો સતત સંપર્કમાં રહ્યા હતા. પરીક્ષાના અંતિમ સમયે નબળા વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું તે અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
- નૂરેસબાખાનના પિતા રહીમખાને જણાવ્યું કે, અમે અમારી દીકરીને ભણવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરતા હતા. જ્યારે તે હતાશ થતી હતી ત્યારે અમે તેને હિંમત આપતા હતા. શિક્ષકોએ પણ અમારી દીકરીને ખૂબ મદદ કરી હતી. અમે પરિવારમાં પણ અમારી પુત્રીને મુક્ત વાતાવરણ આપ્યું હતું. અમે તેની પર બિનજરૂરી બંદીશ નાખતા નથી.
આચાર્ય સાથે શિક્ષણાધિકારીનું સંકલન : બોર્ડની બે પરીક્ષાના આધારે સમગ્ર પરિણામની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષાના આધારે શિક્ષકોને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શાળાના આચાર્ય સાથે સતત મીટીંગ કરવામાં આવતી હતી. ઓછા રીઝલ્ટ ધરાવતી શાળાના આચાર્ય સાથે અલગથી મિટિંગ કરવામાં આવતી હતી. આ મિટિંગમાં આચાર્યોને નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ ભાર આપવા માટે અનુરોધ કરવામાં આવતો હતો. બોર્ડ પરીક્ષાના નવા પેટન અનુસાર માહિતી શાળાઓને આપવામાં આવતી હતી.
- ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 93.67 ટકા મેળવનાર શૈલજાએ જણાવ્યું કે, વાલી અને શિક્ષકોના સહકારથી સારું પરિણામ મળ્યું છે. મને ક્યારેય ટ્યુશન રાખવાની જરૂરિયાત મહેસુસ થઇ નથી. હું દરરોજ ઘરે જ સાત-આઠ કલાક પરીક્ષાની તૈયારી કરતી હતી.
વાલીનું માર્ગદર્શન શા માટે જરુરી ? એ. વી. પ્રજાપતિએ જણાવ્યું કે, ઓછી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ પણ ગાંધીનગરની વિવિધ શાળામાં અભ્યાસ કરે છે. હોશિયાર વિદ્યાર્થીની સાથે એવરેજ વિદ્યાર્થીઓ પર પણ શાળામાં ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. તેથી જ ગાંધીનગરની 54 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. અત્યારે શાળાની જવાબદારી માત્ર વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરતી નથી રહી. શાળાઓએ વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ સતત માર્ગદર્શન આપવું પડે છે. વાલીઓએ બાળકની કુદરતી શક્તિને પારખીને તેને શિક્ષણ આપવું જોઈએ, તો શ્રેષ્ઠ પરિણામ મળે છે.
શિક્ષક-વિદ્યાર્થી-વાલી : ત્રિવેણી સંગમ થકી 100 ટકા પરિણામ :
શાળાના શિક્ષક, વિદ્યાર્થી અને વાલીનો ત્રિવેણી સંગમ થાય ત્યારે જ 100 ટકા પરિણામ મળે છે. આ ત્રિવેણી સંગમ કરવા માટે DEO કચેરી વાલીઓ સાથે સતત મીટીંગ કરવા માટે શાળા સંચાલનને અનુરોધ કરે છે. માત્ર ટોપર્સ નહીં પરંતુ નબળા બાળકો પર પૂરતું ધ્યાન આપી શકાય તે માટે શાળા દ્વારા એડોપ સિસ્ટમ ગોઠવાઈ હતી. આ સિસ્ટમ હેઠળ દરેક શિક્ષકને અમુક બાળકોને જવાબદારી સોંપવામાં આવી હતી. બાળકોના રીઝલ્ટ પર સારી રીતે રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચના આધારે તેમના વાલીઓ સાથે સંવાદ કરવામાં આવે છે. શિક્ષક, વિદ્યાર્થી અને વાલી સાથે મળીને પરિણામ સુધારવા માટે ચર્ચા કરવામાં આવે છે. આ ચર્ચા દ્વારા અમે અમારી શાળાના નબળા વિદ્યાર્થીઓનું પરિણામ સુધાર્યું છે.