કચ્છ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કંડલા એરપોર્ટનાં વિસ્તરણ અને સુધારણા માટે રજૂઆત કરવામાં આવી છે. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ વિસ્તારમાં વિવિધ ધંધાકીય એકમો તેમજ તુણાના કન્ટેનર ટર્મિનલ પ્રકલ્પ, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વગેરેના કારણે દેશ-વિદેશથી રોજગાર અને વ્યવસાય અર્થે મોટી માત્રામાં ચહલપહલ રહેતી હોય છે. ત્યારે કંડલા એરપોર્ટનું વિસ્તરણ અને આધુનિકરણ અત્યંત જરૂરી બન્યું છે.
સિવિલ એવિએશન મંત્રાલય સાથે બેઠક : કંડલા એરપોર્ટના વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટને અનુલક્ષીને કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રાલયના દિલ્હી સ્થિત સેક્રેટરી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા તેમજ ચેમ્બર દ્વારા વિવિધ માંગણી કરવામાં આવી હતી.
કંડલા એરપોર્ટનું વિસ્તરણ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું કે, કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં અનેક ઉદ્યોગો છે, સાથે જ ભુજ અને કંડલા ખાતે જ એરપોર્ટ છે. ત્યારે હવાઇ માર્ગે આવતા વિદેશી લોકો અને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માંગણી તો છે જ, સાથે સાથે એરપોર્ટના વિસ્તૃતિકરણ માટે રજૂઆત કરી છે. તેમજ તુણાના કન્ટેનર ટર્મિનલ પ્રકલ્પ, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વગેરેના કારણે દેશ-વિદેશથી રોજગાર અને વ્યવસાય અર્થે મોટી માત્રામાં ચહલપહલ રહેતી હોવાથી કંડલા એરપોર્ટનું વિસ્તરણ અને આધુનિકરણ અત્યંત જરૂરી બન્યું છે.
કંડલા એરપોર્ટનું આધુનિકરણ : કેન્દ્રીય સિવિલ એવિએશન, મંત્રાલયના સેક્રેટરી વુમલુમંગ વુઆનમ તથા એવીએશનના અધિકારીઓને દિલ્હી ખાતે રૂબરૂ મળીને મુખ્યત્વે A-323 અને A-747 કક્ષાના વધુ મોટા વિમાનોને સમાવવા માટે રન-વેનું વિસ્તરણ કરવા, વધુ યાત્રિકોને સમાવવા માટે એક નવી ટર્મિનલ બિલ્ડિંગ બનાવવા, એરપોર્ટ પર આધુનિક સુવિધાઓ વધારવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. તો હાલના અપૂરતા ઓપરેટિંગ ફાયર ફાઈટિંગ, સુરક્ષા અને એરપોર્ટ સ્ટાફની ઘટ છે તે પૂર્ણ કરવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે.
મંત્રાલય દ્વારા પણ પોઝિટિવ રિસ્પોન્સ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા 1.5 વર્ષ અગાઉ સર્વે હાથ ધરી કંડલા એરપોર્ટ વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં હાલના કંડલા પોર્ટ આધારિત ઉદ્યોગો, એશિયાની સૌથી મોટી ટિમ્બર માર્કેટ, દેશનો વિશાળ નમક ઉદ્યોગ, કાસેઝ, ઈફકો, વિશ્વભરમાં વસતા પ્રવાસીઓ, ધોરડોના સફેદ રણ, ધોળાવીરા વગેરેને કારણે કચ્છ પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ આગળ વધ્યું છે. આ સહિતના અનેક મુદ્દાઓ પણ રજૂઆત કર્યા બાદ હવે આ મીટિંગ બાદ વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ આવશે તેમજ કેન્દ્રીય સિવિલ એવિએશન અને મંત્રાલય દ્વારા પણ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો છે.