જૂનાગઢ: જૂનાગઢનું દલસાણીયા દંપતી છેલ્લા 75 વર્ષથી વસ્ત્ર તરીકે ખાદીમાંથી બનેલા કપડાને શરીર પર ધારણ કરીને ન માત્ર ખાદી પરંતુ ગાંધીની વિચારધારાને અપનાવી રહ્યા છે. ઉપરાંત આજે ગાંધી જયંતી નિમિત્તે તેઓ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી રહ્યા છે કે, ઘરમાં પ્રત્યેક વ્યક્તિ માટે એક જોડી ખાડીના વસ્ત્રો હોવા આવશ્યક છે, જેનાથી ન માત્ર ખાદી પ્રત્યે આપણી ભાવના વ્યક્ત કરી શકાય, પરંતુ ખાદીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોને પણ આપણે મદદરૂપ બની શકીએ છીએ.
પાછલા 75 વર્ષથી ખાદીના વસ્ત્રો: મોહનભાઈ દલસાણીયા અને તેમના ધર્મ પત્ની પાછલા 75 વર્ષથી ખાદીના વસ્ત્રો પહેરીને ખાદી પ્રત્યે પોતાનો એક અનોખો પ્રેમ પ્રદર્શિત કરી રહ્યા છે. ધોરણ 7 માં શારદા ગામમાં અભ્યાસ કરવાની સાથે જ મોહનભાઈ દલસાણીયાએ પ્રથમ વખત સંપૂર્ણ ખાદીના વસ્ત્રો પહેરવાની શરૂઆત કરી હતી. અને આજે તેઓ 82 વર્ષના થયા છે અને સતત અને અવિરત આજે કપડા તરીકે એકમાત્ર ખાદીના વસ્ત્રો જ પહેરે છે. તેઓ માને છે કે, આઝાદીની લડાઈ અને સાથે સાથે ગાંધીજીનો દેશ પ્રત્યેનો પ્રેમ કોઈપણ વ્યક્તિ માત્ર ખાદીના વસ્ત્રો પહેરવાથી ઉજાગર કરી શકે છે.
નાના રોજગારી એકમોને થાય છે ફાયદો: ગુલામીના સમયમાં મહાત્મા ગાંધીએ 'અંગ્રેજો ભારત છોડો'નો નારો આપ્યો હતો. ત્યારથી સામૂહિક રીતે વિદેશથી આયાત થયેલા અને ખાદી સિવાયના અન્ય કાપડના વસ્ત્રોની હોળી કરીને અંગ્રેજોની ભારતમાંથી વિદાયનુ એક આંદોલન ઊભું કરાયું હતું. ત્યારબાદ દેશમાં ખાદીનો એક જુવાળ ઉભો થયો હતો. જેતે સમયે સ્થાનિક રોજગારીની પણ વિપુલ તકો ખાદીએ ઉભી કરી હતી. આજના સમયમાં પણ જો પ્રત્યેક વ્યક્તિ ઘરમાં ઓછામાં ઓછી એક જોડી ખાદીની રાખે તો ખાદી સાથે સંકળાયેલા નાના ઉદ્યોગકારો આજે પણ પોતાની રોજગારી ચલાવી શકે તેટલી સમર્થ અને શક્તિશાળી ખાદી આજે પણ જોવા મળે છે.
આ પણ વાંચો: