ખેડા: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દર્શનાર્થે પધારતા તમામ ભક્તો હવેથી વિના મૂલ્યે ભોજન પ્રસાદી મેળવી શકશે. મોટી સંખ્યામાં રણછોડરાયજીના દર્શન માટે પહોંચતા ભાવિકોના હિતમાં ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આજથી ભાવિકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે.
રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સૌ ભાવિકો લાભ મેળવી શકશે.
રણછોડરાયજી પ્રસાદમનું લોકાર્પણ કરાયું: આજરોજ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ડાકોર રણછોડરાયજી મંદિરના ભંડારી મહારાજ દ્વારા શ્રી રણછોડરાયજી પ્રસાદમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ સાથે જ ગૌમાતા માટે બે શેડનું પણ ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી, સેવકો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવિકોમાં આનંદની લાગણી: મહત્વનું છે કે, ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. ત્યારે હવેથી આ ભોજન પ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોને લાભ મળશે. આગામી સમયમાં હજી સુવિધામાં વધારો કરવાનુ પણ ટેમ્પલ કમિટી દ્વારા આયોજન કરાયું છે. ત્યારે મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
કમિટી દ્વારા વૈષ્ણવોને ભોજન કરાવવાનું શરૂ: ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી ભરત સેવકે જણાવ્યું હતુ કે, આજરોજ ગૌમાતા માટે 2 શેડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે અમદાવાદના મહારાજ દિલીપદાસજી તેમજ ડાકોરના ભંડારી મહારાજ દ્વારા કરાયું હતું. જે વૈષ્ણવો મંદિરમાં દર્શન કરવા આવે છે તે લોકોને વિનામૂલ્યે ભોજન આપવાનું ટેમ્પલ કમિટી દ્વારા શરૂ કરાયું છે. જે વૈષ્ણવો આવશે તેમને પ્રસાદી જમાડીશું.
ભક્તોએ ટેમ્પલ કમિટીનો આભાર માન્યો: મંદિરમાં દર્શને આવેલા ભાવિક રાજુભાઈએ જણાવ્યું હતું કે, ડાકોર ટેમ્પલ કમિટીએ આ ખૂૂબ જ સારૂ કામ કર્યું છે. ભક્તોને સંતોષ થાય અને બહાર દર્શનાર્થીઓ આવતા હોય તેમને કોઈ અગવડ ન થાય. આજથી ભોજન પ્રસાદ શરૂ કરવા બદલ ટેમ્પલ કમિટીનો ઘણો આભાર માનું છું.
આ પણ વાંચો: