અમદાવાદ : સ્વામીનારાયણ મંદિર બનાવવાના નામે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સાવલી ખાતે 600 વીઘા જમીનના ખોટા MoU કરી અમદાવાદના વેપારી સાથે 3.75 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. જેમાં જે. પી. સ્વામી નામના એક સાધુ સહિત નવ ઇસમોની સંડોવણી સામે આવી છે. હાલ સાત આરોપીઓ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મંદિરના નામે MoU કર્યા : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર પટેલ વેપાર તેમજ જમીન લે વેચનો ધંધો કરે છે. તેમને ત્રણેક વર્ષ અગાઉ જમીન લે વેચના દલાલ મહેન્દ્ર ઝંખવાડીયા મળ્યા હતા. જેમણે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કઠલાલ તાલુકાના લસુન્દ્રા, વિશ્વનાથપુરા સાવલી ખાતે 600 વીઘા જમીન સ્વામીનારાયણ મંદિર બનાવવા માટે જોઈએ છે. બાદમાં દલાલે ફરિયાદીનો જે. પી. સ્વામી સહિત આઠ લોકોનો સંપર્ક કરાવી વિશ્વાસમાં લઈ જમીનના ખોટા MoU કર્યા હતા.
"અમદાવાદના ફરિયાદી ભૂપેન્દ્ર પટેલે છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતમાં ફરિયાદ કરી છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આશરે નવ લોકો સામેલ છે. નવે નવમાંથી તમામનો રોલ શું છે એ અંગે વિગતવાર તપાસ કરાશે." -- રાજેશ ગઢીયા (SP, ખેડા)
2.63 કરોડ ચાઉં કર્યા : MoU પેટે રૂ. 3.75 કરોડ લીધા હતા. બાદમાં તેમનો સંપર્ક કરતા કોઈ હકારાત્મક જવાબ આપ્યો નહોતો. બાદમાં ત્રણ ઈસમોએ રૂ. 1.12 કરોડ પરત આપ્યા હતા. જ્યારે બાકી પડતા રૂ. 2.63 કરોડ નહી મળતા તેમજ તે બાબતે કોઈ જવાબ નહીં આપતા છેતરપિંડી થઈ હોવાનું જણાતા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાત ઈસમો વિરુદ્ધ FIR : આ સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર પટેલની ફરિયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં સુરતના લાલજી ઢોલા, નીતિન ઈટાલીયા અને સુરેશ ગોરી તથા ધોળકાના મનસુરખાન પઠાણ તથા અમદાવાદના મહેન્દ્ર ઝંખવાડીયા, સુરેશ ભરવાડ અને મફાભાઈ ભરવાડનો સમાવેશ થાય છે.