વડોદરા : ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જાહેર થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામુ આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
- ભાજપ વોશિંગ મશીન જેવું, મશીનમાં નાખો એટલે શુદ્ધ થઈ જાય
બીજી તરફ ધર્મેન્દ્રસિંહના કટ્ટર રાજકીય વિરોધી અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ તો વોશિંગ મશીન જેવું છે. ખરડાયેલા હોય અને વોશિંગ મશીનમાં નાખો એટલે શુદ્ધ થઈને આવી જાય. ભાજપની આ નીતિ છે, હું ભાજપ છોડીને કોઈપણ પાર્ટીમાંથી ચૂંટણી લડીશ.
- વાઘોડિયામાં ભાજપને લાવનારા જ મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વાઘોડિયામાં ભાજપ છે જ નહીં. ભાજપને લાવનારા જ આ મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયામાં ભાજપ હોત તો ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ ચૂંટણી જીતી ગયા હોત. લોકોની ખોટી જમીન લીધી હોય, ઓઇલનો ધંધો કરવો હોય, એવા કોઈ ધંધા કરવા માટે તમે ભાજપમાં પાછા આવો છો. તો તમારી છબી ફેરવાઈ જશે.
- હું ચૂંટણી લડવાનો છું અને ભાજપ વિરુદ્ધ જવાનો છું
મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું કે, હું હવે અપક્ષ પણ લડવાનો, આમ આદમી પાર્ટીમાં પણ લડવાનો. કચરો સાફ કરવા ઝાડુ લઈને ચાલીશ. કોંગ્રેસમાં પણ લડવાનો. બીજી પાર્ટીમાં પણ લડવાનો છું. ભાજપ છોડીને કોઈપણ પાર્ટી ટિકિટ આપશે ત્યાંથી હું લડવાનો છું અને ભાજપ વિરુદ્ધ જવાનો છું. હું ભાજપના સંપર્કમાં નથી.
- હું પાટીલ દાદાને મળવા માટે સુરત ગયો
હું પાટીલ દાદાને મળવા માટે સુરત ગયો હતો. મારે કોઈ ચૂંટણી લડવી નથી. પણ મારા દીકરાએ કહ્યું હતું કે, પપ્પા પાટીલ દાદાને મળી આવો. એટલે પાટીલ દાદાને મળવા આવ્યો છું. મારી છબી ખરડાયેલ નથી કે મારે પાછું વોશીન મશીનમાં પરત ફરવું પડે. એક વર્ષના સમય દરમિયાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રજાલક્ષી કાર્યો કર્યા છે કે નહીં તે પ્રજાને પણ ખબર છે.
- નરેન્દ્ર મોદી નહીં હોય, એ દિવસે ભાજપ...
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસના લોકોનું ભાજપમાં વિલીનીકરણ થઇ રહ્યું છે. ભ્રષ્ટાચાર કરવો છે, જેથી કોંગ્રેસના લોકો ભાજપમાં આવી રહ્યા છે. આવા લોકોને લઈને ભાજપ એક દિવસ પસ્તાશે. જે દિવસે નરેન્દ્ર મોદી નહીં હોય, એ દિવસે ભાજપને બહુ મોટી તકલીફ પડવાની છે.
- આ બેનને ટિકિટ આપશો તો મારો સખ્ત વિરોધ રહેશે
વડોદરા શહેરમાં એક દાખલો જોયો કે માજી મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પોતાનો અવાજ ઉપાડ્યો, ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત આપેલ ટીકીટ બદલવી પડી. હું પાટીલ દાદાને કહીને આવ્યો હતો કે સંસદની ચૂંટણીમાં આ બેનને ટિકિટ આપશો તો મારો સખ્ત વિરોધ રહેશે. એ તો પાર્ટીએ પૂરું કરી દીધું.
- તેમનો જ વિકાસ થયો છે નહીં કે પ્રજાનો
આજે વ્યક્તિ લોકોના સંપર્કમાં નથી અને લોકોના કામ કર્યા નથી અને 10 વર્ષથી લોકો તમને ઓળખી ગયા. એમને એમની મિલકત બચાવવી છે, એમને બે નંબરના ધંધા કરવા છે, એમને કોઈ ઉદ્યોગપતિને હેરાન કર્યો છે, તો કેટલાક વેપારીઓને પણ હેરાન કર્યા છે. રોડ-રસ્તા બનાવતા અધિકારીઓને હેરાન કર્યા છે. માત્ર પોતાના સ્વાર્થના જ કામ કર્યા છે. તેમનો જ વિકાસ થયો છે નહીં કે પ્રજાનો.
- હું ચૂંટણી લડીને પ્રજાના હિતમાં કામ કરવાનો છું
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં મારે બતાવવું છે કે, જે લોકો વિકાસ કરતા હોય, સેવક તરીકે કામ કરતા હોય. એ લોકોને જ પ્રજા ઓળખે છે. બીજા કોઇને પણ ઓળખતી નથી. વડોદરા કોર્પોરેશનમાં ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયામાં ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે. કોઈપણ ઉમેદવાર આવે બધાની સામે લડવાનો છું. લડીને પ્રજાના હિતમાં કામ કરવાનો છું. પ્રજાલક્ષી કાર્યો કરવાનો છું, મારી જીત નિશ્ચિત છે.