વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું ગઈકાલે મોડીરાત્રે 71 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. સેવાસીથી મહાપુરા રોડ ખાતે આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસની બહાર સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા હતા. નિવાસસ્થાનેથી શણગારેલી સબવાહિનીમાં તેમની અંતિમયાત્રા નિકળી હતી જે કીર્તિ મંદિર ખાતે પહોંચી તેમના અંતિમસંસ્કારની વિધિ સંપન્ન કરી હતી.
1970-80ના દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમતા: અંશુમાન ગાયકવાડે 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકતામાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટથી ડેબ્યુ કર્યું હતું. કોલકાતામાં જ 1984માં છેલ્લી મેચ રમીને તેમણે ક્રિકેટથી વિદાય લીધી હતી. તેમણે 40 ટેસ્ટ મેચમાં 30ની એવરેજથી 1985 રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને 10 અડધી સદી ફટકારી હતી. તેમનો બેસ્ટ સ્કોર 201 રનનો હતો, જે તેમણે પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યા હતા. તેમણે 15 વન-ડે મેચો પણ રમી હતી, જેમાં 269 રન ફટકાર્યા હતા.
BCCI મદદની વહારે: અંશુમાન ગાયકવાડ લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલદેવ અને સંદીપ પાટીલે ગાયકવાડના પરિવારને આર્થિક મદદ કરવા માટે અપીલ કરી હતી. જે બાદ BCCI દ્વારા પણ એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત પણ કરવામાં આવી હતી. તેઓએ અંતિમ શ્ર્વાસ લેતા પૂર્વ ખેલાડીઓમાં અને પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત: ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તેમણે કોચિંગમાં પોતાનું કરિયર આગળ વધાર્યું હતું. 1997-99 દરમિયાન તેઓ ટીમના હેડ કોચ રહ્યા હતા. તેમજ તેમણે GSFCમાં પણ કામ કર્યું હતું. જૂન 2018માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા.
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું: દિગ્ગજ ક્રિકેટરના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરતા અંશુમન ગાયકવાડને એક ગિફ્ટેડ પ્લેયર અને શાનદાર કોચ ગણાવ્યાં. તેમણે કહ્યું તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો જોડાયા: અંશુમન ગાયકવાડની અંતિમયાત્રામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા, બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને કિરણ મોરે સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.