જૂનાગઢ: છેલ્લા 15 વર્ષથી જૂનાગઢમાં રાધેશ્યામજી રામરોટી સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. જે જૂનાગઢના એવા મધ્યમ વર્ગીય પરિવારને ભોજનની સુવિધા પૂરી પાડે છે કે જેઓ શારીરિક રીતે અશક્ત છે, પતિ અથવા પત્નીનું મૃત્યુ પામ્યું છે કે પછી સંતાનો દ્વારા કે સમાજ દ્વારા તેમનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. આવા તમામ લોકોને છેલ્લા 15 વર્ષથી ભોજન પીરસીને રાધેશ્યામજી રામરોટી સેવા આ ભોજનનું એક મહાયજ્ઞ ચલાવી રહ્યા છે જેમાં પ્રતિદિન દાતાઓની મદદથી આ ભોજન સેવા અવિરતપણે ચાલતી જોવા મળે છે.
રાધેશ્યામજી રામરોટી સેવા યજ્ઞ: જૂનાગઢમાં છેલ્લા 15 વર્ષથી અલગારી સંત રાધેશ્યામજીના નામથી રામરોટી સેવા કાર્ય ચાલી રહ્યું છે. આજથી 15 વર્ષ પૂર્વે મીનાબેન અને જગદીશભાઈ વસાવડા દ્વારા આ સેવાય યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે છેલ્લા 15 વર્ષથી સતત અને અવિરત પણે કાર્યરત જોવા મળે છે. જૂનાગઢના એવા પરિવારો કે જે શારીરિક રીતે અશક્ત છે, વૃદ્ધ છે, કોઈ પણ સંતાનો નથી, સમાજ કે તેમના સંતાનો દ્વારા તેમને તરછોડવામાં આવ્યા છે આવા પ્રત્યેક જરૂરિયાતમંદ મધ્યમ વર્ગીય પરિવારોને રાધેશ્યામજી રામરોટી સેવાયજ્ઞ દ્વારા દરરોજ વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવે છે.
દરરોજ દાતા દ્વારા કરાય છે સેવા: સેવાય યજ્ઞમાં દરરોજ દાતા દ્વારા આર્થિક સહયોગ આપીને આ ભોજનનો સેવા યજ્ઞ સતત ચાલતો રાખવામાં આવે છે. સામાન્ય રીતે 50 થી 60 જેટલા પરિવારોને ભોજન આપવા માટે પ્રતિદિન 2000 થી લઈને 3000 રૂપિયાનો ખર્ચ આવે છે જે દરરોજના દાતા દ્વારા મળી રહે છે. સેવા યજ્ઞમાં સેવા માટે આવતા કાર્યકરો દ્વારા તમામ ભોજનને પાર્સલના રૂપમાં પેક કરીને નિર્ધારિત થયેલા લોકોના ઘર સુધી ગરમાગરમ ભોજન પહોંચાડવામાં આવે છે.
જરૂરિયાત બંધ પરિવારોને ભોજન: રાધેશ્યામજી રામરોટી સેવાય યજ્ઞ દ્વારા જૂનાગઢના એવા પરિવાર કે વ્યક્તિની પસંદ કરવામાં આવે છે કે જેઓ શારીરિક રીતે અશક્ત અથવા તો વૃદ્ધ છે. જે પૈકીના એક દંપતિ માર્ગ વાહન વ્યવહાર નિગમની ઓફિસમાં કામ કરતા હતા, પરંતુ નિવૃત્તિ બાદ તમામ સંપત્તિ કોઈ કારણોસર આજે તેમની પાસે નથી જેથી રાધેશ્યામ રામરોટી સેવા યજ્ઞ દ્વારા તેમને ભોજન કરાવીને સેવા કરવામાં આવે છે.
એવી જ રીતે એવા વ્યક્તિઓ પણ છે કે, જેઓ કુષ્ઠ રોગનો શિકાર બન્યા છે તેઓ હાથેથી ભોજન બનાવી શકતા નથી તેવા પરિવારની પણ પસંદગી કરીને તેમને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ સિવાય એવા પુરુષ અને મહિલાની પસંદગી કરાય છે કે જેઓ એકલા છે અથવા તો તેમના પતિ કે પત્ની મૃત્યુ પામ્યો છે તેવા લોકોની પસંદગી કરીને દાળ, ભાત, શાક, રોટલી, મિષ્ટાન અને ફરસાણ સાથેનું ભોજન કરાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: