સુરત : લોકસભા ચૂંટણી 2024 ને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાનના દિવસે કોઈ પણ બૂથ પર વોટિંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આગોતરું આયોજન કર્યું છે.
EVM-VVPAT રેન્ડમાઇઝેશન : સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીની ઉપસ્થિતિમાં EVM અને VVPAT નું પ્રથમ કોમ્પ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. બે દિવસમાં સુરત જિલ્લાની 16 વિધાનસભામાં કુલ 4530 મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દ્વારા 5654 EVM અને 6107 VVPAT ની ફાળવણી કરવામાં આવશે.
ચૂંટણી તંત્રની તૈયારી : ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS) સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા તેની યાદી પણ તમામ પક્ષને સોંપવામાં આવશે. રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ જિલ્લાની તમામ વિધાનસભાના ARO ને સુપરત કરવામાં આવશે. તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.
ગુજરાતમાં મતદાન : અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કર્યું છે. રેન્ડમાઈઝડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે.
EVM-VVPAT વેરહાઉસ : સુરત જિલ્લા ચૂંટણી તંત્રના EVM-VVPAT વેરહાઉસ ખાતે સંગ્રહિત તમામ ઈવીએમ મશીન FLC ચેકિંગ થયેલ છે. રેન્ડમાઈઝડ EVM જિલ્લાની વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી-ARO ને સોંપવામાં આવી રહ્યા છે. જ્યાં ARO દ્વારા વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ EVM રાખવામાં આવશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન દ્વારા સુરત અને બારડોલી લોકસભા બેઠક હેઠળની 16 વિધાનસભા બેઠકોમાં 4530 મતદાન મથકમાં મૂકવા માટેના EVM અને VVPAT ની ફાળવણી થશે. તમામ વિધાનસભા બેઠકમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્ર-VVPAT ના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા CCTV કેમેરા સાથે સ્ટ્રોંગરૂમ ઉભા કરવામાં આવ્યા છે.
જિલ્લાવ્યાપી આયોજન : EVM માં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણ પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા લેખે BU- બેલેટ યુનિટ, 125 ટકા લેખે CU- કંટ્રોલ યુનિટ અને 135 ટકા VVPAT તકેદારીના રૂપમાં ફાળવણી થશે. 4530 મતદાન મથક માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ અને VVPAT ની ફાળવણી કરાશે.
EVM ની સોંપણી : ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ બે દિવસમાં જિલ્લાના સંબંધિત ARO ને ઈવીએમની સોંપણી કરવામાં આવશે. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ EVM અને VVPAT નું ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે કયા નંબરનું યંત્ર ક્યા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે.