સુરત: સુરત જિલ્લામાં મોટાભાગના ડાંગરના પાકમાં હાલ કંઠી નીકળવાની અવસ્થાએ છે. ત્યારે હાલમાં ઓલપાડ તાલુકામાં ડાંગરના ઉભા પાકમાં પાનનો સુકારો/ઝાળનો રોગ જોવા મળતા કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોની વહારે આવ્યા છે. છેલ્લા બે દિવસથી કૃષિ યુનિવર્સિટી નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના વૈજ્ઞાનિકો પૈકી ડો.જનકસિંહ રાઠોડ અને ડો.રાકેશ કે.પટેલે ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા વિવિધ ગામો પૈકી કુંભારી, સોંદલાખારા, નધોઈ, મીંઢી, ઓલપાડ, તળાદ, સોંસક, અંભેટા, સીમરથુ, પારડી, બોલાવ, સરોલી, વણકલા વગેરે ગામોમાં ડાંગરના ખેતરોની મુલાકાત ખેડૂતો સાથે લીઘી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારાના વૈજ્ઞાનિકો ડૉ.વિપુલ પટેલ અને ડો.કેદારનાથ પણ જોડાયા હતા. તે દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકોએ ડાંગરના ઘણા ખેતરોમાં સુક્ષ્મ જીવાણુઓથી થતો પાનનો સુકારો/ઝાળ નામનો રોગ જોવા મળ્યો હતો.
આ રોગ મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પણ ફેલાય છે: વ્યારાના કૃષિ વૈજ્ઞાનિક ડૉ.વિપુલ પટેલ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આ રોગની સમજ આપતા કહ્યું કે, 'રોગના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાનના ટોચના ભાગેથી ઉભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બંન્ને ધારેથી બદામી રંગમાં ઉંધા ચીપીયા આકારે સુકાતા નીચેની તરફ સુકારો આગળ વધે છે. આ રોગ અનુકૂળ વાતાવરણમાં કે ઝાકળમાં રોગના જીવાણુ પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પણ ખેતરમાં ફેલાય છે. આ રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલું હોય અથવા ઝાકળમાં રોગના જીવાણુ પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પણ ખેતરમાં ફેલાય છે. આ રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલું હોય તેવું દેખાય છે.
નાઈટ્રોજન યુકત રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો: તેમણે વધુમાં જણાવ્યું કે આ રોગથી છોડની વૃદ્ધિ અટકે છે અને છોડ સુકાતા રોગિષ્ટ છોડમાં દાણા પોચા રહી જવાથી ડાંગરના ઉત્પાદનમાં મોટાપાયે આર્થિક નુકસાન થાય છે. જેથી આ રોગના નિયંત્રણ માટે પાકમાં ભલામણ કરેલા જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત રાસાયણિક ખાતરો આપવા જોઈએ. જો ખેતરમાં સુકારાના રોગની શરૂઆત દેખાય તો નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો હપ્તો આ રોગ કાબૂમાં આવ્યા પછી જ આપવો જોઈએ.
જો રોગની શરૂઆત જણાય તો તરત જ શક્ય હોય તો રોગિષ્ટ પાન કે છોડને ઉખાડી અથવા બાળીને નાશ કરવો જોઈએ અને રોગવાળા ખેતરનું પાણી બાજુના રોગ વગરના ડાંગરના ખેતરમાં જાય ન જાય તેની કાળજી રાખવી જોઈએ. તેમજ તરત જ કોપર હાઈડ્રોક્સાઈડ 53.8%, ડીએફ નામની દવાનો 10 લીટર પાણીમાં 30 ગ્રામ મુજબ છંટકાવ કરવો જરૂરી છે. દવાનો છંટકાવ કરતી વખતે આખો છોડ ભીંજાઈ જાય તે રીતે એકરે અંદાજિત 200 લીટર પાણીનો વપરાશ કરવો જોઈએ. દવાનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયમાં કરવો ખેતરના શેઢાપાળ નીંદણમુક્ત અને સાફ રાખવા જરૂરી છે.
આ પણ વાંચો