કચ્છ: 21મી સદીના યુવાનોને ઓછી ખબર હશે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વર્ષ 1925માં કચ્છ આવ્યા હતા અને પૂરાં 2 અઠવાડિયાં માટે રોકાયાં હતાં. જોકે ગાંધીજીની કચ્છની યાત્રા તેમના માટે આઘાતજનક અને વ્યથિત કરી દેનારી બની ગઈ હતી. ગાંધીજીએ કચ્છમાં જે જોયું, અનુભવ્યું એનાથી તેમને બહુ જ દુ:ખ પહોંચ્યું હતું.
કચ્છની યાત્રામાં ગાંધીજીને થયો કડવો અનુભવ: ઇતિહાસકાર સંજય ઠાકરે જણાવ્યું કે, કચ્છમાં લોકો વચ્ચેની ઊંચ-નીચની ખાઈને કારણે તેમની સાથે જે બન્યું. એ ખરેખર અશોભનીય વર્તન હતું. કચ્છના માંડવીની સભામાં માર મારવાની ઘટનામાં ગાંધીજી માંડ માંડ બચ્યા હતા. આવા અનેક કિસ્સાઓ ગાંધીજીની 2 અઠવાડિયા માટેની કચ્છની યાત્રામાં ઘટ્યા હતા.
કચ્છની મુલાકાત સમયે ગાંધીજીનો વિરોધ: મહાત્મા ગાંધી વર્ષ 1925ના ઑક્ટોબર મહિનામાં 2 અઠવાડિયાં માટે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમનો છુપો જ નહીં પરંતુ જાહેરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ગાંધીજીની એ યાત્રા દરમિયાન તેમની સાથે જે વ્યવહાર કરાયો અને જે ઘટનાઓ ઘટી એ કચ્છના લોકોની માનસિકતા દર્શાવે છે. 1925માં મહાત્મા ગાંધીજીની યાત્રા સમયે કચ્છ માનસિકતા જ નહીં પરંતુ વ્યવસ્થાની દષ્ટિએ પણ ખૂબ પછાત હતું.
1925માં 2 અઠવાડીયાની કચ્છની મુલાકાતે: દેશના રાષ્ટ્રપિતા માહાત્મા ગાંધીજીએ કચ્છની મુલાકાત લીધી એને હવે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. દેશના છેવાડાના જિલ્લા કચ્છ સાથે ગાંધી બાપુનો વિશિષ્ટ નાતો રહ્યો છે. ગાંધી બાપુ વર્ષ 1925માં 2 અઠવાડિયાની કચ્છની મુલાકાતે આવ્યા હતા. કચ્છમાં અનેક સભામાં લોકોએ ગાંધીજીના મૂલ્યો અવગણના કરી પરોક્ષ રીતે બાપુને અપમાનિત કર્યા હતા અને બાદમાં તેમને બીજા દિવસે ગામોગામ માનપત્ર આપવામાં આવ્યા હતા.
કચ્છની મુલાકાત લેવા અનેકવાર નિમંત્રિત: મહાત્મા ગાંધી કચ્છની મુલાકાતે આવ્યા તેની પાછળ કેટલીક પૂર્વભૂમિકાઓ છે. કચ્છના એ વખતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અગ્રણીઓ હતા. તેમણે મુંબઈ જઈને ગાંધીજીને કચ્છ આવવા માટે વિનંતી કરી હતી. તે ઉપરાંત મુંબઈના કચ્છી આગેવાનો કે જે અસહકાર આંદોલન અને બીજી ચળવળો સાથે જોડાયેલા હતા. તેમણે પણ ગાંધીજીને કચ્છની મુલાકાત લેવા માટે નિમંત્રિત કર્યા હતા.
ગાંધીજીના કચ્છમાં આવ્યા બાદ જનચેતના જાગૃત: ગાંધીજી વર્ષ 1915માં આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા, 1921 -22 માં અસહકારની ચળવળ, બારડોલી સત્યાગ્રહ થયા ત્યાર બાદ ગાંધીજી ભારતભરમાં એક અગ્રણી અને લોકનેતા તરીકે છવાઈ ગયા હતા. ત્યાર બાદ કચ્છમાં તેમનું આગમન થયું હતું. કચ્છી પ્રજા સંઘ ત્યારે સ્થપાઈ ચૂક્યું હતું અને ગાંધીજીના કચ્છમાં આવ્યા બાદ જનચેતના જાગૃત થઈ હતી. વર્ષ 1926માં પ્રજાકીય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી.
22મી ઓક્ટોબર 1925ના રોજ કચ્છ આવ્યા: ગાંધીજીનો કચ્છનો પ્રવાસ વ્યાપક હતો અને તેમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, દેવદાસ ગાંધી, મહાદેવભાઈ દેસાઈ જેવા આગેવાનો પણ જોડાયા હતા. તેઓ કચ્છ આવ્યા હતા. આ સાથે જ મુંબઈથી પત્રકારો પણ તેમના આ પ્રવાસમાં જોડાયા હતા. 22મી ઓક્ટોબર 1925ના રોજ માંડવી ખાતે રૂપવતી આગબોટમાં ગાંધીજીનું આગમન થાય છે. તેમના આગમન થયા બાદ તેઓ ભુજ આવે છે. સમગ્ર કચ્છમાં ગાંધીજીને આવકારવાનું અને સત્કાર કરવાનો એક ઉમળકો હતો અને લોકોમાં ઉત્સાહ હતો.
કચ્છના મહારાવ સાથે પણ ચર્ચા કરી હતી: કચ્છના એ વખતના મહારાવ ખેંગારજી ત્રીજા સાથે મહાત્મા ગાંધીએ ભુજના શરદબાગ ખાતે લગભગ 3 કલાકની બેઠક યોજી હતી અને જનહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ગાંધીજીના ઉતારા માટે મહારાવ ખેંગારજી ત્રીજાએ સંસ્કૃત પાઠશાળા કે જે નાનીબા પાઠશાળા તરીકે ઓળખાય છે. તે પાઠશાળામાં ઉતરો આપ્યો હતો. મહાદેવ નાકા બહાર ગાંધીજીને સત્કારવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
કચ્છમાં શા માટે ગાંધીજી આવ્યા?: કચ્છને જોવા સમજવા માટે તો ગાંધીજી આવ્યા જ હતા. પરંતુ એ સમયે તેમની પાસે ખાદી પ્રચારનો તો મુદ્દો હતો. જ ત્યારે ગાંધીજીએ આ સમયે ખાદી પ્રચારનો મુદ્દો છેડ્યો હતો તો સાથે અસ્પૃશ્યતા નિવારણનો મુદ્દો હતો. તેની સાથે દેશબંધુ દાસના સ્મારક માટે ફંડ એકત્ર કરવા માટે કચ્છીઓએ વચન આપેલું હતું. તેના માટે પણ ગાંધીજી કચ્છ આવ્યા હતા. તે વચન પૂરું પાડવા માટે કચ્છીઓએ પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સમયે માત્ર 46000 રૂપિયા જેટલો જ ફંડ એકત્રિત કરી શકાયો હતો.
ગાંધીજીને માનપત્ર આપવામાં આવ્યા: ઈતિહાસકારે એવું પણ જણાવ્યું કે, કચ્છના પ્રવાસ દરમિયાન ગાંધીજીને ઘણા બધા કડવા અનુભવો થયા. જેમાં છૂતઅછૂતનો કડવો અનુભવ થયો હતો. જેમાં માંડવીમાં જનસભા રદ્દ કરવી પડી હતી. ભુજમાં પણ નાગરવંડીમાં મોટો ઝઘડો થયો હતો. જેમાં બીજા દિવસે તેમને માનપત્ર આપવામાં આવ્યો હતો. ગામેગામ ગાંધીજીને માનપત્ર આપવામાં આવ્યા હતા.
ગાંધીજીએ 5 તાલુકાનો પ્રવાસ ખેડ્યો: કચ્છના વ્યાપક પ્રવાસમાં ગાંધીજીએ 5 તાલુકાનો પ્રવાસ ખેડ્યો હતો. જેમાં ભુજ, અબડાસા, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકામાં તેમજ અંતે અંજાર તાલુકાની મુલાકાત લીધી હતી. અંજાર તાલુકાના તુણા બંદરેથી તેઓ જામનગર જવા રવાના થયા હતા. માંડવી અન મુન્દ્રામાં ગાંધીજીએ જાહેરસભાઓ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઊમટી હતી.
કચ્છમાં અસ્પૃશ્યતા ચરમ સીમાએ: ગાંધી બાપુને આ યાત્રા દરમિયાન માનસિક દુઃખ પણ મળ્યું હતું. જેમાં કચ્છમાં અસ્પૃશ્યતાની લાગણી ખૂબ મોટી હતી. જેમાં ભુજ સહિતના શહેરોમાં બાપુની સભામાં ભદ્ર વર્ગ અને અંત્યોદય વચ્ચે અલગ-અલગ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હોવાથી ગાંધીજી સમસમી ઉઠયા હતા. ગાંધીજીએ પણ સભાઓમાં આ બાબત અંગે દુઃખ અને આઘાત વ્યક્ત કર્યો હતો. અંજારમાં ગાંધીજીને અડી ના જવાય એ રીતે અપમાનિત રીતે માનપત્ર ઉપરથી ફેંકીને આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: