જૂનાગઢ: પાછલા ત્રણ-ચાર દિવસથી જિલ્લાના વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. જેને કારણે હવે જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા ચોમાસુ પાકોનું વાવણી કાર્ય શરૂ થઈ રહ્યું છે. મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતો મગફળી, કપાસ, કઠોળ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે. ભીમ અગિયારસથી લઈને અષાઢી બીજ સુધીનો સમય ચોમાસુ પાકોની વાવણી માટે ઉત્તમ માનવામાં આવે છે, જેને લઈને આજે ખેડૂતોએ ધરતી માતાના પૂજનની સાથે બળદની જોડીનું પૂજન કરીને વિધિવત રીતે ચોમાસુ પાકોના વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા.
મગફળીનું વાવેતર વિશેષ થવાની શક્યતા: આ વર્ષે ખેડૂતો મગફળીના વાવેતરને લઈને ખૂબ જ હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે કપાસ અને સોયાબીનની જગ્યા પર ખૂબ મોટા પ્રમાણમાં ચોમાસુ પાક તરીકે મગફળીના વાવેતરની શક્યતા વધી રહી છે. ગત વર્ષે કપાસના પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ અને બજારમાં યોગ્ય ભાવો નહીં મળતા ખેડૂતો હવે ફરીથી સૌરાષ્ટ્રની પરંપરાગત મગફળીની વાવણી કરવા તરફ આગળ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મોટેભાગે ખેડૂતો કુદરત આધારિત ચોમાસુ ખેતી કરતા હોય છે, જે ખેડૂતો પાસે પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. તેવા તમામ ખેડૂતો ચોમાસા દરમિયાન મોટેભાગે ખેતી કાર્ય કરતા હોય છે.