જુનાગઢ: ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન એક મહિનાના શિવોત્સવ તરીકે સનાતન ધર્મમાં ખ્યાતિ પામેલા શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. ત્યારે આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે એકટાણુ અને ખાસ કરીને સોમવારનો ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓ માટે ફરાળી પેટીસની માંગ જોવા મળે છે. 40 વર્ષથી સ્વાદના શોખીનો ફરાળી પેટીસ થકી શ્રાવણ મહિનાના ઉપવાસ પૂર્ણ કરતા હોય છે.
શ્રાવણ મહિનામાં ફરાળી પેટીસની માંગ: આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. શિવને પ્રિય એવા આ એક મહિનાના શિવોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ એકટાણું ઉપવાસ અને ખાસ કરીને શ્રાવણના સોમવારે વિશેષ ઉપવાસ કરતા હોય છે. ત્યારે પાછલા 40 વર્ષથી જૂનાગઢમાં મોર્ડનની ફરાળી પેટીસ સ્વાદ પ્રેમીઓની સાથે ધર્મપ્રેમી લોકોમાં પણ એક અનોખું સ્થાન ઊભું કરવામાં સફળ રહી છે. વર્ષ દરમિયાન ફરાળી પેટીસ અને લસ્સીનું વેચાણ થતું હોય છે, પરંતુ શ્રાવણ મહિનાના આ સમય દરમિયાન ફરાળી પેટીસની વિશેષ માંગ જોવા મળે છે. પ્રતિ દિવસે 500 થી 1000 નંગ ફરાળી પેટીસ લોકો આરોગી જતા હોય છે.
ફરાળી પેટીસની બનાવટ: પાછલા ચાલીસ વર્ષથી જૂનાગઢમાં બનતી ફરાળી પેટીસ વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. બટાકાને બાફીને તેનો માવો તૈયાર કર્યા બાદ તેમાં થોડો શિંગોડાનો લોટ ઉમેરીને પેટીસનું આવરણ તૈયાર કરવામાં આવે છે. સ્ટફિંગમાં ભરવા માટે સુકામેવાની સાથે કોપરાનું છીણ અને મગફળીના દાણાના ભુકાની સાથે કેટલાક સિક્રેટ મસાલા અને અન્ય ચીજ વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. જેને કારણે આ પેટીસ સ્વાદ રસિકો માટે અનિવાર્ય બની જાય છે. વધુમાં આ પેટીસની સાથે આપવામાં આવતું મસાલા વાળું દહીં પણ પેટીસના સ્વાદને બેવડો કરી આપે છે. સામાન્ય રીતે અન્ય પેટીસો તળીને સીધી ખવાતી હોય છે, પરંતુ જૂનાગઢની ફરાળી પેટીસ તળવાની સાથે તેનો સ્વાદ મસાલાવાળા દહીં સાથે લેવાની એક પરંપરા છે. જેને કારણે પણ લોકો શ્રાવણ મહિના અને ખાસ કરીને ઉપવાસના દિવસો દરમિયાન પેટીસ તરફ વધારે આકર્ષિત થતા હોય છે.
365 દિવસ વેચાણ અને તેની માંગ: 365 દિવસ ફરાળી પેટીસનું વેચાણ અને તેની માંગ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે લોકો ફરાળી હોવાને કારણે ઉપવાસના દિવસોમાં વધારે ઉપયોગ કરતા હોય છે, પરંતુ અન્ય લોકો સવાર અને સાંજના નાસ્તા તરીકે પણ આ ફરાળી પેટીસને પસંદ કરે છે. જેને કારણે પાછલા 40 વર્ષથી એકમાત્ર ફરાળી પેટીસ અને લસસીનું વેચાણ થઈ રહ્યું છે, જેને લોકો પોતાનો પ્રતિસાદ પણ ખૂબ બહોળા પ્રમાણમાં આપી રહ્યા છે.