રાજકોટ : અત્યાર સુધી ગુજરાતમાં નકલી અધિકારીઓ અને નકલી કચેરીઓ ઝડપાતી હતી. પરંતુ આજે તો રાજકોટમાં નકલી સ્કૂલ જ ઝડપાઈ છે. રાજકોટ નજીક આવેલ માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા ઝડપાઈ છે. કોઈપણ પ્રકારની માન્યતા વગર ધમધમતી શાળા ગૌરી પ્રિ. પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે.
એડમિશન વગર બાળકો ભણ્યા : બાળકોના વાલીઓએ પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને શંકા જતા જ મેં સ્કૂલની તપાસ કરી હતી. સ્કૂલના સત્તાધીશોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તમારા વિદ્યાર્થીઓ ઇંગ્લીશ મીડીયમમાં હોય તો જ તેઓનું એડમિશન હોય છે. ગુજરાતી મીડીયમમાં હોય તો અન્ય સ્કૂલમાં તેઓનું એડમિશન કરવામાં આવે છે.
"નકલી" ગૌરી સ્કૂલ સીલ : ત્યારબાદ વાલીને શંકા જતા તેઓએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. આજે શિક્ષણ અધિકારી તપાસ કરવા પહોંચ્યા, તો સંપૂર્ણ સ્કૂલ જ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, પીપળીયા ગામે ગૌરી પ્રિ. પ્રાઇમરી સ્કૂલ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે ચાલતી હતી. શાળામાં કેટલાય બાળકો અભ્યાસ પણ કરી રહ્યા હતા.
હવે વિદ્યાર્થીઓનું શું ? ધોરણ 1 થી 10 સુધીના કુલ 33 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા હતા. આ શાળા રોડથી અંદર હોવાના કારણે ધ્યાને ન આવી. ગેરકાયદેસર 7 જેટલા LC કબ્જે કરી શાળા સીલ કરાઈ છે. તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાવામાં આવશે. અમારા ધ્યાને હવે આવતા ફરિયાદ દાખલ કરીશું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.