સુરત : તાજેતરમાં કામરેજ પોલીસે ફરિયાદના આધારે નકલી IPS અધિકારી બની રોફ જમાવતા પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો. આરોપીએ અત્યાર સુધીમાં બે લોકો સાથે ઠગાઈ કરી હતી. આ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ લીધા બાદ ફરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે વધુ રિમાન્ડની માગણી ન કરતા કોર્ટે આરોપીને સુરત જિલ્લા મધ્યસ્થ લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો ? કામરેજ પોલીસ મથક ખાતે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરજ તાલુકામાં રહેતા સમીર સલીમ જમાદારે ફરિયાદ આપી હતી. સમીર જમાદારને તેના ભાઈબંધ થકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. તે દરમિયાન પ્રદીપ પટેલે IPS અધિકારી હોવાની ઓળખ આપી હતી. થોડા દિવસ વીત્યા બાદ પ્રદીપે સમીર જમાદારને કામરેજના વલથાન ગામ પાસે આવેલ તોરણ હોટલમાં 30 ટકાનો ભાગીદાર રહેવા કહ્યું અને સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. જેને લઇને સમીરે ટુકડે ટુકડે 23 લાખ રૂપિયા આપી દીધા હતા.
જોકે, થોડા દિવસ વીત્યા બાદ સમીર જમાદારે પ્રદીપને હોટેલના એગ્રીમેન્ટ બાબતે કહેતા પ્રદીપ આજકાલ કર્યા કરતો હતો. જેને લઇને સમીરે પૈસા પરત માંગ્યા હતા. જેથી પ્રદીપે 12 લાખ રૂપિયા પરત કર્યા, પરંતુ 11 લાખ પછી આપી દઈશ એવું કહ્યું હતું. જોકે ઘણા દિવસો વીત્યા છતાં પ્રદીપે રૂપિયા નહીં આપતા આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા સમીર જમાદારે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી.
આરોપી વિરુદ્ધ કાર્યવાહી : ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગણતરીની કલાકોમાં જ નકલી IPS ની ઓળખ આપી છેતરપિંડી કરનાર આરોપી પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો. આરોપીનો મોબાઈલ ચેક કરતા તેમાંથી IPS અધિકારીની વર્દી પહેરેલા ફોટા મળી આવ્યા અને એક પોલીસ વર્દીનું પેન્ટ પણ મળ્યું હતું.
એક સાથે બે ગુનામાં ફસાયો : ઝડપાયેલા નકલી ઓફિસર પ્રદીપ પટેલ વિરુદ્ધ ગણતરીની કલાકોમાં જ બીજી ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાઈ છે. કામરેજ વિસ્તારમાં રહેતા કૌશિક ગજેરા સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડી સાથે ઠગાઈ થઈ હતી. કૌશિકને પ્રદીપ પટેલે સાપુતારા ખાતે આવેલ તોરણ હોટેલમાં હિસ્સો આપવાનું કહી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે ફરિયાદ આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.