સુરત: પાલનપુર રોડ શાંતિનિકેતન સ્કૂલ પાસે રાંદેર રામદેવ નગર સોસાયટીમાં રહેતા દિપેશ ચંપકલાલ ભટ્ટએ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ડભોલી રોડ ગોગા મહારાજ મંદિરની પાસે આવેલા હેન્રી આર્કેટ કોમ્પ્લેક્સમાં શ્રી હરિ માર્ટ શોપમાં સુમુલ ડેરીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી, સિંગણપુર ડભોલી પોલીસે શ્રી હરિ માર્ટ શોપમાં રેડ કરી હતી અને ત્યાં તપાસ કરતા સુમુલ દૂધ ઉત્પાદક મંડલીનું લાઇસન્સ લીધા વગર સુમુલ ડેરીના શુદ્ધ ઘીના આબેહૂબ પાઉચ બનાવી તેમાં ઘી નાખીને વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
15 નંગ સુમુલ શુદ્ધ ઘી લખેલ પાઉચ જપ્ત: પોલીસે ત્યાંથી ડુપ્લીકેટ સુમુલ ડેરી ઘીના પાઉચ કબજે કરી માલિક લલિત ઘનશ્યામ ઇટાલીયા અને પ્રતિક કનુ ઠક્કર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. આ સાથે શ્રી હરિ માર્ટ દુકાનમાંથી કુલ 15 નંગ સુમુલ શુદ્ધ ઘી લખેલ ઘીના પાઉચ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ડુપ્લીકેટ ઘીની કિંમત 6,820 રૂપિયા છે. રેડ દરમિયાન સુમુલ ડેરીના અધિકારીઓએ ખરાઈ કરતા સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂ દેખાય એવા ડુપ્લીકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ઘી બનાવીને તે ઘીનું પાઉચમાં પેકિંગ કરી વેચાણ કરી ગ્રાહકોના સ્વાસ્થને જોખમમાં મૂકી રહ્યા હતા.
ચાર લોકોની ધરપકડ કરવામાં આવી: ડભોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, દુકાન માલિક સુમુલ શુદ્ધ ઘીનો બનાવટી ઘીનો જથ્થો પ્રતીક કનુભાઈ ઠક્કરને ડિલિવરી કરતો હતો. જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં વેપારી લલિત ઇટાલીયા, પ્રતીક ઠક્કર, ઘીના વેપારી વિશાલ શાહ અને માર્કેટિંગ કરનાર આશિષ દૂધવાલાની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આરોપી પ્રતીક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેની ઉપર છેતરપિંડીની ફરિયાદ થઈ ચૂકી છે