ગાંધીનગર: ગાંધીનગર માંથી નકલી અમૂલ ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગરના સેક્ટર 26 ની GIDC માંથી અમુલ બ્રાન્ડનું બનાવટી ઘી ઝડપાયું છે. ગાંધીનગર જીઆઇડીસીના પ્લોટ નંબર 123 માંથી ડુપ્લીકેટ ઘી નો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગર GIDCમાં પાયલ ટ્રેડર્સમાં અમુલ બ્રાન્ડનું બનાવટી ઘી બનતું હતું.
મહાનગરપાલિકાએ પાયલ ટ્રેડર્સનું લાઇસન્સ રદ્દ કર્યું: ફેક્ટરીમાંથી અમુલના લેબલ વાળા ઘી ના ડબ્બા અને પાઉચ પકડાયા છે. શ્રી માખણ મિસરી બ્રાન્ડના લેબલ પણ પકડાયા છે. મહાનગરપાલિકાએ પાયલ ટ્રેડર્સ નું લાઇસન્સ રદ્દ કર્યું છે. પાટનગરમાં બનાવટી ઘીની ફેક્ટરી ઝડપાતા અનેક તર્ક વિતર્કો થયા છે. બનાવટી ઘી બનાવતા ફેક્ટરીમાંથી એક ગાંધીનગરના રાંધેજા ગામમાં શ્યામ રેસીડેન્સીમાં રહેતા કપિલ વિક્રમ મહેશ્વરીની અટકાયત થઈ છે.
કેટલો મુદ્દા માલ જપ્ત કર્યો: પોલીસે રૂપિયા 42 હજાર કિંમતની અમૂલ ઘીના 500 એમએલ ના પાઉચ ભરેલી 12 પેટીઓ, 14000 કિંમતના 15 kg ના પતરાના ચાર ડબ્બા, રૂપિયા 18000 કિંમતનું ગાયનું ઘી, રૂપિયા 9000 કિંમતનું માખણ સહિત કુલ રૂપિયા 66,800 ના મુદ્દા માલ જપ્ત કર્યો છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી: ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા સેમ્પલ કલેક્ટ કરી પૃથક્કરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધ કેસની વધુ તપાસ હાથ ધરી છે.