બાલાસિનોર : બાલાસિનોર નગર ફાગણ સુદ નોમના ફગવાના રંગથી રંગાઇ ગયું હતું. વૈષ્ણવોના પ્રિય ફગવા ઉત્સવમાં નગરના મુંબઇ અને અન્ય સ્થળોએથી આવેલ વૈષ્ણવો ભકિતભાવથી જોડાયા હતા. નગરના પુષ્ટિમાર્ગીય દશાનીમા વૈષ્ણવ વણિકો જેઓ વેપાર ધંધાર્થે મુંબઈ તેમજ અન્ય સ્થળે સ્થાયી થવા છતાં માદરે વતન બાલાસિનોર પ્રત્યે અપાર સ્નેહ દર્શાવે છે. વૈષ્ણવોનીભકિતભાવપૂર્વકની ગોકુલેશ પ્રભુ પ્રત્યેની ધર્મભાવનાથી બાલાસિનોર છોટે ગોકુલ તરીકે પ્રસિદ્ધ બન્યું છે.
115 વર્ષથી ફગવા ઉત્સવ ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ છોટે ગોકુલ બાલાસિનોરમાં ફાગણ સુદ નોમના ફગવા ઉત્સવ ઉજવવા મુંબઈ અને અન્ય સ્થળોએથી વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા હતા. છેલ્લા 115 વર્ષ ઉપરાંતથી ફગવા ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ફગવા ઉત્સવના મનોરથી બનવું એ પણ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે. 115 વર્ષ ઉપરાંતથી નવાબી નગરી બાલાસિનોરમાં ઉજવાતા ફગવા મહોત્સવને લઈને બાલાસિનો છોટી ગોકુલ તરીકે ઓળખાય છે ત્યારે આ વર્ષે શતાયુ 99 વર્ષના ફગવા મનોરથી શ્રીયુત નવનીતલાલ મણીલાલ શાહ (ઝાટ) પરિવાર છે.
રસીયા ગાઈ ઠાકોરજીને રાજી કર્યા : ઉત્સવના મનોરથીના નિવાસસ્થાને કિર્તનીથી સમાજ મળ્યો હતો. સવારના દસ વાગે ગોકુલનાથજી મંદિરેથી ઠાકોરજીની શોભાયાત્રા વિરપુર રોડ ઉપર આવેલ હવેલીએ પ્રયાણ કર્યું હતું. વિશાળ શોભાયાત્રા જય જય શ્રી ગોકુલેશની ધૂનથી ગુંજી ઉઠી હતી. કેસરી ખેસ સાથે મનોરથી વૈષ્ણવો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં શોભાષાત્રામાં જોડાઈ હતી. ઠાકોરજી હવેલી પહોંચ્યા બાદ ઠાકોરજીને અબીલ-ગુલાલથી વૈષ્ણવોએ ફાગ ખેલ્યા હતા. ત્યારબાદ વૈષ્ણવોએ અબીલ ગુલાલ છોડી રસીયા ગાઈ ઠાકોરજીને રાજી કર્યા હતા.
બાલાસિનોરમાં ગોકુળનાથજીનો ફગવા ઉત્સવ લગભગ 115 વર્ષથી ચાલ્યો આવે છે. એ અમારા પરદાદાઓ વખતથી ચાલ્યો આવે છે. એમનો વારસો એક મનોરથી તરીકે મારા પિતા અત્યારે 99 વર્ષના છે, નવનીતલાલ મણીલાલ શાહ એમને આ ફગવાનો લાભ મળ્યો છે. 11 વર્ષે અમે મનોરથી થઈએ છીએ. આ ફગવામાંનું જે મુખ્ય મંદિર છે, ગોકુળનાથજી મંદિર ત્યાંથી ઠાકોરજીને ગામ બહાર ધામધુમથી બગીચા મંદિરમાં લાવીએ છીએ, અહીંયા ઠાકોરજી હોળી ખેલે છે. અને પાછા લઈ જતાં આખા ગામમાં હોળી ખેલાય છે. આ પ્રસંગમાં અમારા જ્ઞાતિજનોમાં બહુ ઉત્સાહ હોય છે. અને બધા અહીં ભેગા થાય છે મુંબઈથી, બહારગામ રહેતા અને એનો ફાયદો બીજી જે સામાજિક સંથાઓ છે જેમ કે, KMG હોસ્પિટલ મંદિર, બીજી શાળાઓ એ બધાને બહુજ ફાયદો થાય છે....દીપકભાઇ શાહ ( મનોરથી )
રાજભોગના દર્શન : ઠાકોરજીના શણગાર થયા બાદ રાજભોગના દર્શન થયા હતા. તે પછી કંઠીધારી વૈષ્ણવોએ અબીલ ગુલાલ છાંટી રસીયા ગાઈ ઠાકોરજીને રાજી કર્યા હતા. ઠાકોરજીના શણગાર થયા બાદ રાજભોગના દર્શન થયા હતા. તે પછી કંઠીધારી વૈષ્ણવોએ પ્રસાદ લીધો હતો. સાંજે ઠાકોરજી હવેલીએ ગોકુલનાથજી મંદિરે આવવા નીકળ્યા હતા. બેન્ડવાજાની સુરાવલી, અબીલ - ગુલાલની છોળો, જય જય ગોકુલેશની ધુન સાથે સાંજના ઠાકોરજી ગોકુલનાથજી મંદિરે પરત પહોંચ્યા હતા. ફગવા ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ વતન આવતાં હોઈ નગરની શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ વિગેરેમાં કાર્યક્રમોનું આયોજન થાય છે. નગરનો હોળી ચકલા, ગોકુલનાથજી મંદિર વિસ્તાર ફગવા ઉત્સવ દરમ્યાન વૈષ્ણવોની ભીડથી ભરચક બની જાય છે.