કચ્છ: મહારાજ શ્રી ભુપતસિંહ કચ્છ કોઈન સોસાયટી દ્વારા આઠમી એનિવર્સરી નિમિત્તે ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે કોઇન અને સ્ટેમ્પ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો તેમજ મોટા લોકોએ પ્રદર્શન માણ્યું હતુ.
કચ્છ કોઇન સોસાયટી દ્વારા પ્રદર્શન: મહારાજશ્રી ભુપતસિંહજી કચ્છ કોઇન સોસાયટીની સ્થાપના વર્ષ 2016માં કરવામાં આવી હતી.ભુજ કચ્છના પ્રમુખ જગદીશ સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,"કચ્છ કોઇન સોસાયટીના સભ્યો દ્વારા ટિકિટો, બાકસના ખોખા, ચલણી સિક્કાઓ અને નોટોનું કલેક્શન આજે અહીં રાખવામાં આવ્યું છે તો દર વર્ષે સાતમ આઠમના તહેવારે પણ હમીરસર તળાવ પાસે આવેલ મહારાઓશ્રી વિજયરાજજી લાયબ્રેરીમાં પણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે.
જુદા જુદા દેશની ચલણી નોટો અને સિક્કાનું પ્રદર્શન: ભુજના રીજનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા પ્રદર્શનમાં દેશ વિદેશના ચલણી સિક્કાઓનું વ્યવસ્થિત પેકિંગમા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત, યુનાઈટેડ નેશન્સ, યુગાન્ડા, કેન્યા, દુબઈ, મોરેશિયસ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે,નેપાળ, ઇંગ્લેન્ડ, તૂર્કી, સેચેલસ વગેરે જેવા 108 દેશોના ચલણી સિક્કાઓ પણ અહીઁ દર્શકોને નિહાળવા માટે રાખવામાં આવ્યા હતા.આ ઉપરાંત કચ્છ રાજ્યના ચલણી સિક્કાઓ અંગેની માહિતી પણ અહીઁ મૂકવામાં આવી હતી.
જુદા જુદા મહાનુભાવોની શતાબ્દીના સિક્કાઓ: પ્રવાસીઓ માટે 19માં કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી 2010 ના 2 રૂપિયાના સિક્કા, હૈદરાબાદ મિન્ટના 5 રૂપિયાના સિક્કા, લુબ્રેલ 200 વર્ષ(1809- 2009) જન્મદિવસની દ્વીશતાબ્દીના રૂપિયા 2ના સિક્કા, કલકત્તા મિન્ટના સિક્કાઓ, ઇન્કમટેક્સના 150 વર્ષ અને 150 રૂપિયાનો કલકત્તા મિન્ટના સિક્કાઓ, સી.સુબ્રમણ્ય જન્મ શતાબ્દી, મધર ટેરેસા જન્મ શતાબ્દી, શહીદ ભગતસિંહ જન્મ શતાબ્દી, ગુરુ ગ્રંથ સાહેબની ત્રીશતાબ્દીના સિક્કાઓ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
187 દેશના 187 સ્ટેમ્પ પણ કરાયા પ્રદર્શિત: મહારાજ શ્રી ભુપતસિંહ કચ્છ કોઈન સોસાયટીમાં સભ્યો અને સંગ્રાહકો દ્વારા કચ્છ રાજ્યની કોર્ટ ફીના સ્ટેમ્પ, આઝાદી પહેલાંના સમયમાં પોસ્ટ કાર્ડ, રાજાશાહી સમયના પોસ્ટ કાર્ડ, તો 187 દેશના 187 સ્ટેમ્પ, ટપાલ ટિકિટો, પક્ષીની છાપ વાળી ટિકિટો, ફૂલની છાપ વાળી ટપાલ ટિકિટો, વિવિધ રાજાઓના ફોટાવાળી ટિકિટોનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
કચ્છ રાજ્યના ચલણી સિક્કાઓ: આ પ્રદર્શનમાં કચ્છ રજવાડા સમયના ચલણી સિક્કાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં કચ્છ રાજ્યમાં શરૂઆતમાં ચલણી સિક્કાઓ સોનામાંથી, ચાંદીમાંથી અને તાંબામાંથી બનાવવામાં આવતા તે સિક્કાનું પ્રદર્શન અને તેની માહિતી પણ આપવામાં આવી રહી છે.તો મહારાજ શ્રી ભુપતસિંહ કચ્છ કોઈન સોસાયટીના દરેક સંગ્રહકાર પાસે વિશિષ્ટ કલેક્શન છે.
વર્ષ 2016માં થઈ હતી સ્થાપના: મહારાજ શ્રી ભુપતસિંહ કચ્છ કોઈન સોસાયટીના સ્થાપક પ્રમુખ દિનેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2016માં મહારાજ શ્રી ભુપતસિંહ કચ્છ કોઈન સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા નાના ભાઈ ભુપતસિંહને કચ્છના સિક્કાઓમાં ખૂબ રસ હતો અને તેના પર તેઓએ અભ્યાસ કર્યો હતો.વર્ષ 1978માં કચ્છની પ્રથમ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. કચ્છ મ્યુઝિયમને 100 વર્ષ પૂર્ણ થતાં આ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ પ્રદર્શનમાં રાણી એલિઝાબેથના સિક્કાઓ તેમજ કોમનવેલથ ગેમ સમયે લેડી ડાયનાએ બહાર પાડેલ સિક્કાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે.