ભાવનગરઃ ગુજરાતમાં ભલે વિકાસના મોટા મોટા દાવા થતાં હોય, મહાનગરો તમામ જનઉપયોગી સુખ સવિધાઓથી સજ્જ હોય તેવું સાંભળવામાં ખુબ સારૂં લાગે છે, પરંતુ આજે પણ ગુજરાતના ઘણા એવા ગામો છે, જ્યાં પાયાની સુવિધા માટે પણ લોકોને વલખા મારવા પડે છે. ભાવનગર જિલ્લાના વાળુકડ થઈને ખોખરા જવાના માર્ગ ઉપર આવેલા અંધારીયાવાડમાં છેલ્લા 15 થી 20 વર્ષથી પાણીને લઈને એકમાત્ર સરકાર દ્વારા બનાવી આપવામાં આવેલ ડારથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. અંધારીયાવાડમાં એક વર્ષ પહેલાં ઘરે ઘરે પાણીની લાઈન આપી તો દેવામાં આવી છે. પરંતુ પાણીની લાઈનમાં હજુ સુધી પાણી આવ્યું નથી. ત્યારે અંધારીયાવાડ નજીક આવેલા દેવીપુજકવાસમાં તો પેટ્રોલના ખર્ચે પાણીની વ્યવસ્થા કરવી પડતી હોય તેવા દ્રશ્યો ઈટીવી ભારતની સામે આવ્યા હતા.
પાણીની પળોજણઃ ભાવનગર શહેર થી વાળુકડ થઈને ખોખરા જવાના માર્ગ ઉપર આવેલું અંધારીયાવાડ ગામમાં 400 થી 500 જેટલા સ્થાનિકો વસવાટ કરે છે.તેની બાજુમાં એક કિલોમીટરના અંતરે દેવીપુજક વાસ પણ આવેલો છે. અંધારીયાવાડમાં ઈટીવી ભારતની ટીમ પહોંચી ત્યારે રસ્તા ઉપર રહેલી પાણીની ટાંકીમાંથી મહિલાઓ પાણી ભરતી જોવા મળી હતી. ત્યારે ત્યાંના સ્થાનિક સાથે વાતચીત કરતા તેમને પોતાની હકીકત વર્ણવી હતી.
શું કહે છે સ્થાનિકોઃ ભાવનગર થી ખોખરાના રોડ ઉપર અંધારીયાવાડના પાટીયા પાસે રોડ ઉપર ઈટીવી ભારતની ટીમ પહોંચી ત્યારે, ત્યાંના સ્થાનિક વિજયભાઈ વેગડ નામની સાથે વાતચીત કરી હતી. ગામમાં નલ સે જલ યોજનાને પગલે વાતચીત કરતા વિજયભાઈ વેગડે જણાવ્યું હતું કે એક વર્ષથી પાણીની લાઇન આવી ગઈ છે. ઘરે ઘરે કનેક્શન આવી ગયા છે, પણ પાણી હજી આવ્યું નથી, તો નલ સે જલ પાણીની લાઇન માટે ગામમાંથી કૂવામાંથી ચેક થયેલું છે. પણ પાણી મળતું થયું નથી. સરકારે 15 વર્ષ પહેલાં ડાર પાડેલો હતો. એનાથી ટાંકીથી ભરાય જાય છે, બધા આ વિસ્તાર છે, અંધારીયાવાડ, જુનાપાદર ગામ, દેવીપુજકવાસ એ પણ અહીં પાણી ભરવા ટાંકે આવે છે.
પેટ્રોલના ભાવે મળતું પાણીઃ અંધારિયાવાડના પાટીયા પાસે સ્થાનિક વિજયભાઈ વેગડ સાથે વાતચીત થયા બાદ સરકારે 15 વર્ષ પહેલાં ડાર કરીને ઉભા કરેલા પાણીના ટાંકામાંથી પાણી લઈ જવા માટે એક બાઇક ચાલક નજરે પડ્યા હતા. આ બાઈક ચાલક સાથે અમે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે અંધારિયાવાડથી એટલે કે અહીંથી એક કિલોમીટર દૂર અમારો દેવીપુજક વાસ આવેલો છે, જ્યાં પાણી નથી, લાઈટ નથી, રસ્તો નથી કે કોઈ સગવડતા નથી. હવે 15 થી 20 વર્ષથી અહીંયા અંધારીયાવાડમાં પાણીની ટાંકી કરી છે, ત્યાંથી પાણી 1 કિલોમીટર દૂર દેવીપુજક વાસ સુધી લઈ જઈએ છીએ. પેટ્રોલના ભાવે અમને હાલ પાણી પડી રહ્યું છે કારણ કે એક કિલોમીટર સુધી મહિલાઓ કેટલુ પાણી લાવી જઈ શકે.
પાણી માટે શું છે વ્યવસ્થાઃ ભાવનગર જિલ્લાના અંધારીયાવાડ, જુનાપાદર બંને વાળુકડ ગામની જૂથ પંચાયતમાં સમાવેશ કરાયેલો છે. ત્યારે એક વર્ષથી આવી ગયેલી પાણીની લાઈનને પગલે છેલ્લાં દોઢ વર્ષથી સરપંચ વિહોણા વાળુકડ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાથે વાતચીત કરતા તલાટી મંત્રી જગદીશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, પાણીની લાઈન એક વર્ષ પહેલાં નાંખી દેવામાં આવી છે અને તેના માટેના મશીનરીના પૈસા પણ ભરી દેવામાં આવ્યા છે. જુના પાદર ગામ થી પંપિંગ કરવું પડે તેમ છે. જો કે સ્થાનિકોનું કેવું છે કે, ટેસ્ટિંગ સ્થાનિક કક્ષાએથી થયેલું છે હવે જુનાપાદર થી પંપીંગ કરવામાં આવે તો પાણી પહોંચે છે કે, કેમ તે જોવાનું રહેશે. અંધારીયાવાડથી એક કિલોમીટર દૂર દેવી પુજકવાસ ગામની વ્યાખ્યામાં પણ ગણતરીમાં ન હોય તેવી સ્થિતિ હોવાનું સ્થાનિકો કહેવું છે.