બનાસકાંઠા: દાંતા તાલુકાના ધરોઈ ડેમ પાછળ આવેલું અને ધરોઈ ડુબમાં ગયેલું ગામ ખોબા જેવું ઉમેદપુરા ગામ ગુજરાતના અન્ય ગામોથી અલગ પડતુ હોય તેવો ઘાટ સર્જાયો છે. આધુનિકતાની દોટમાં શહેરો કુદકેને ભૂસકે વિકાસ અને પ્રગતિના પથ પર આગળ વધી રહ્યાં છે ત્યારે ઉમેદપુરા ગામ આજે પણ પછાતપણાની ચાડી ખાઈ રહ્યું છે. ગામલોકો પાયાની અનેક જીવન જરુરી સુવિધાઓ થી લાખો કોસ દૂર છે. આ ગામમાં અવર-જવર માટે કોઈ પાકા રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી નથી. પાકો રસ્તો જ ન હોય તો સ્વાભાવિક છે કે, ગામમાં કોઈ પણ પ્રકારના ખાનગી વાહનો, એસ.ટી બસ કે 108 એમ્યુલન્સ જેવી સેવાનો પણ લાભ મળી શકતો નથી.
ખેડૂતોની મુશ્કેલી: ઉમેદપુરા ગામ ચારે તરફ ધરોઈ ડેમ અને ડુંગરોથી ઘેરાયેલું ગામ છે, થોડા સમય પહેલા આવેલા વાવાઝોડા બાદ આ ગામમાં રહેતા ગરીબ ખેડૂતોના ખેતરોના પાક ધરોઈ ડેમના પાણી ફરી વળવાના કારણે બગડી ગયો હતો. આ ગામના ખેડુત જગાજી વલાજી એ જણાવે છે કે, અમારા ખેતરોમાં ધરોઈ ડેમનું પાણી આવી જતા અમે ખેતી કરી શક્યા ન હતા.
ગામમાં પ્રવેશવું જ જીવનું જોખમ: દાંતા તાલુકાના અંતરિયાળ એવા ઉમેદપુરા ગામની કરમ ભાગ્યની વાત કરવામાં આવે તો આ ગામની અંદર કોઈપણ પ્રકારના પાકા મકાન જોવા મળતા નથી, ન તો કોઈ મોટી દુકાન આ ગામમાં જોવા મળશે. સૌથી પડકારભરી સ્થિતિ તો આ ગામની એ છે કે, ગામમાં પ્રવેશવા માટે જીવના જોખમે ડેમના પાણી માંથી ગાડી પસાર કરવી પડે છે.
કુદરતની થપાટ ખાતુ ઉમેદપુરા ગામ: આ ગામના ખેડૂતોના ખેતર પણ ધરોઈ ડેમના વચ્ચે કે નજીકના કિનારા ઉપર આવેલા હોવાથી ચોમાસાનો સમયગાળો તેમના માટે ખુબ પડકારજનક રહે છે. તાજેતરમાં પડેલા વરસાદને લીધે ધરોઈ ડેમમાં પાણીની આવક વધુ થતા તેઓનું જીવન મુશ્કેલીભરી બની ગયું હતું. આ ગામના અન્ય એક ખેડૂત ઈશ્વરજી ઉદાજીનું કહેવું છે કે, બાજુના ગામના ખેડૂતો રોજના ત્રણથી ચાર કિલોમીટર ચાલીને પોતાના ખેતર પર જાય છે. જેના કારણે સમયસર ખેતરે ન પહોચી શકતા કામ પુરુ થતુ નથી. તાજેતરમાં વધુ પડેલા વરસાદ અને પવનના લીધે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.