ગાંધીનગર: મસાલાઓમાં ઈથિલીન ઓક્સાઈડનું પ્રમાણ નિયત માત્રાથી વધુ હોવાથી કેટલાક દેશોએ ભારતીય મસાલાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. મસાલામાં ઈથિલીન ઓક્સાઈડના ઘટકો પકડાતા ભારતમાંથી મસાલાની થતી નિકાસમાં ગાબડું પડી જતું અટકાવવા માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ ગુજરાતમાંથી મસાલાના ઉત્પાદન સાથે સંકળાયેલા 300 ફેક્ટરીઓમાંથી સેમ્પલ્સ લઈને તેની ચકાસણીનો આરંભ કરી દીધો છે. 30 કંપનીઓના રિપોર્ટમાં મસાલામાં કશું વાંધાજનક મળ્યું નથી. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાનું જણાવ્યું છે કે, હજી વધુ સેમ્પલ્સ એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે.
ઇથિલીન ઓક્સાઇડનો ઉપયોગ: મસાલામાં જીવાત હોય તો તે મરી જાય અને જીવાત નવેસરથી સક્રિય ન થાય તેના પર ઇથિલીન ઓક્સાઈડનો હળવો છંટકાવ કરીને નિકાસ કરવામાં આવે છે. પરંતુ તેને પરિણામે માથાને દુઃખાવો થવો, ચક્કર આવવા, ઉબકાં આવવા, થાક લાગવો, શ્વસનતંત્રમાં અસહજ અસ્વસ્થતાની લાગણી થવી, ઉલટી થવી અને પેટમાં ગરબડ થવાની સમસ્યા થતી હોવાનું જોવા મળે છે. 'મસાલાના 1 અબજ પાર્ટિકલ્સ-કણમાં એટલે કે, અંદાજે 1 કિલો મસાલામાં 0.1 MLથી ઓછી માત્રામાં ઈથિલીન ઓક્સાઈડ હોવું જરૂરી છે. તેનાથી વધુ હોય તો તેને માનવ આરોગ્ય માટે જોખમી ગણવામાં આવે છે.' ઇથિલીન ઓક્સાઈન્ડના ઘટકો લાંબા સમય સુધી માનવ શરીરમાં જાય તો તેને પરિણામે કેન્સર થવાનો ખતરો પણ રહેલો છે. અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં 1 કિલોએ તેમાં 7 મિલીગ્રામ ઈથિલીન ઓક્સાઈડ હોય તો તેને માન્ય રાખવામાં આવે છે. સિંગાપોરમાં 50 MG જેટલું ઈથિલીન ઓક્સાઈડ હોય તો તેને માન્ય રાખવામાં આવે છે. ગુજરાતમાં 5 લેબોરેટરીઓમાં તેની ચકાસણી ચાલુ કરવામાં આવી છે.
ઇથિલીન ઓક્સાઈડ રંગહીન ગેસ: NABL એક્રેડિટેશન ધરાવતી લેબોરેટરીમાં જ તેની ચકાસણી કરાવીને રિપોર્ટ આપવાનો ફુડ એન્ડ સ્ટ્રાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આદેશ કર્યો છે.' જોકે અમદાવાદની FSSAIના અધિકારીઓ આ તે માટે બાબતમાં જોઈએ તેવી સક્રિયતા દર્શાવતા ન હોવાનું જણાય છે. ઇથિલીન ઓક્સાઈડ એક પ્રકારનો રંગહીન ગેસ છે. છેલ્લા 30 વર્ષથી ઇથિલીન ઓક્સાઈડનો મસાલામાં સ્ટરીલાઈઝિંગ એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈ-કોલી અને સાલ્મોનેલ્લા જેવી જીવાતો મસાલામાં ન પડે તે માટે તેનો છંટકાવ કરવામાં આવે છે. મેડિકલ ડિવાઈઝને જંતુમુક્ત કરવા માટે પણ ઇથિલીન ઓક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. યુઝ એન્ડ થ્રો સિરિન્જ અને કેથેટર્સમાં પણ ઈથિલીન ઓક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે.
નેપાળે મસાલાના કન્સાઈનમેન્ટ પર બ્રેક લગાવી: નેપાળે પણ ભારતમાંથી આયાત કરેલા મસાલાના કન્સાઈનમેન્ટ પર બ્રેક લગાવી દીધી છે. ઈથિલીન ઓક્સાઈડને બદલે વરાળમાંથી પસાર કરીને મસાલાને જંતુમુક્ત બનાવી શકાય છે. પરંતુ તે પ્રક્રિયા ઈથિલીન ઓક્સાઈડની પ્રક્રિયાથી ચારથી પાંચ ગણી મોંઘી છે. સરકાર ઇથિલીન ઓક્સાઈડની સમસ્યાનો નીવેડો ન લાવે તો આ વર્ષે મસાલાની નિકાસમાં 40થી 45 ટકાનું ગાબડું પડી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. 2021-22ના વર્ષમાં ભારતમાંથી 15 લાખ ટનથી વધારે મસાલાની નિકાસ કરવામાં આવી હતી. ચીન, અમેરિકા, કેનેડા, મલેશિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન સંઘના દેશો, બ્રિટનમાં ભારતીય મસાલાની નિકાસ કરવામાં આવે છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી. કોશિયા કહે છે કે, ઇથિલીન ઓક્સાઈડની મસાલાઓમાં માત્રા અંગે છેલ્લા અઠવાડિયામાં અમે 300 લાઇસન્સધારક મસાલા ઉત્પાદકોને ત્યાં તપાસ કરી છે. ઉત્પાદકો પાસેથી જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.
મસાલાને લાંબો સમય સુધી જાળવવા માટે ઉપયોગ: ઇથિલીન ઓક્સાઈડએ કોઈ ભેળસેળની વસ્તુ નથી. તેનાથી મસાલાના સ્વાદ, સ્વરૂપ અને ગુણવત્તામાં કોઈ ફરક પડતો નથી. મસાલાની સેલ્ફ લાઈફ વધારવા માટે ઇથિલીન ઓક્સાઈડ નાખવામાં આવે છે. મસાલાને લાંબો સમય સુધી જાળવવા માટે નિકાસકારો ઇથિલીન ઓક્સાઈડનો ઉપયોગ કરતા હોય છે. તેઓ સમુદ્ર માર્ગે મસાલાઓને નિકાસ કરે છે. આ નિકાસ સમય ગાળો લાંબો હોવાથી મસાલામાં કોઈ સૂક્ષ્મ જીવો ન પડે તે માટે ઇથિલીન ઓક્સાઈડ ઉમેરવામાં આવે છે. મસાલાનો જથ્થો સમુદ્રની ભેજવાળી હવામાં લાંબો સમય સુધી રહેવાથી તેમાં લારવા, ઇયળ અને જીવાત પડવાની સંભાવના છે.
ઇથિલીન ઓક્સાઈડના વપરાશની લિમિટ: ઇથિલીન ઓક્સાઈડ મસાલામાં ભેળવવાની લિમિટ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છે. મસાલાના 1 અબજ પાર્ટિકલ્સ-કણમાં એટલે કે અંદાજે 1 કિલો મસાલામાં 0.1 એમએલથી ઓછી માત્રામાં ઈથિલિન ઓક્સાઈડ હોવું જરૂરી છે. ગુજરાતમાં કામ કરતી મસાલાની કંપનીઓમાંથી નમુના લેવામાં આવ્યા હતા. રિપોર્ટ પણ આવી ગયા છે. કોઈપણ સેમ્પલમાં ઇથિલીન ઓક્સાઈડની માત્રા નક્કી ધારા ધોરણ કરતાં વધુ નથી. સ્થાનિક બજારમાં વેચાતા મસાલાઓમાં ઇથિલીન ઓક્સાઈડની પ્રોસેસ કરવામાં આવતી નથી. મોટાભાગે સ્થાનિક બજારમાં વેચાતા મસાલાઓમાં ઇથિલીન ઓક્સાઈડની પ્રોસેસ કરવામાં આવતી નથી. પરંતુ જે મસાલાઓ નિકાસ કરવાના હોય તેને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે ઇથિલીન ઓક્સાઈડની પ્રોસેસ કરવામાં આવે છે.