સુરત: જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સાથે લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. અનેક રસ્તાઓ પણ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે હાલમાં બારડોલી - સુરત રોડ પર દસ્તાન રેલવે ઓવરબ્રિજના એપ્રોચ રોડનો એક બાજુનો અંદાજે 100 ફૂટથી વધુ હિસ્સો બેસી જતાં એક ટ્રક રોડની બાજુમાં ખાબકી હતી.
વરસાદમાં રોડનું ધોવાણ : પલસાણા તાલુકામાં અવિરત વરસાદ થતા ઠેરઠેર પાણી ભરાવવાની પરિસ્થિતિનું નિર્માણ થયું અને જનજીવન પ્રભાવિત થયું હતું. આ ઉપરાંત પહેલા જ વરસાદમાં નવા બનેલા રોડની સ્થિતિ પણ ખરાબ થઈ છે. જેમાં ખાસ કરીને 8 વર્ષ બાદ લાંબા સમયની રાહ જોયા પછી પ્રજા માટે ખુલ્લો મુકાયેલ દસ્તાન રેલવે ઓવરબ્રિજના એપ્રોચ રોડની સ્થિતિ પણ ખરાબ થઈ છે.
100 ફૂટ રોડ બેસી ગયો : દસ્તાન ફાટકથી ગંગાધરા તરફના એપ્રોચ રોડની 100 ફૂટ જેટલી સાઈડની ધાર તૂટી પડતાં એક ટ્રક ખાડામાં ખાબકી હતી. એટલું જ નહીં બીજા દિવસે સામેની તરફનો રોડ પણ બેસી જતા ટેન્કર પલટી મારી ગયું હતું. આમ બંને તરફ 100 ફૂટથી વધુ રેલિંગ પણ રોડ બેસી જવાને કારણે તૂટી ગઈ છે.
વિપક્ષ આક્રમક બન્યું : નવા પુરાણમાં યોગ્ય કામગીરી હાથ ધરાઈ ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાથે સાથે બ્રિજની ઉપર પણ ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. આવનારા દિવસોમાં આ સ્થિતિ વધુ દુષ્કર બને તેવી શક્યતા છે. ત્યારે આ મામલે હવે કોંગ્રેસ પણ વિરોધમાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે આ અંગે તપાસની માંગ કરી છે.