તાપી: તાપી જિલ્લા વન વિભાગ દ્વારા જંગલોમાં બેફામ બનીને ફરતા અને હવે ધીરે ધીરે ગ્રામીણ લોકોના જાનમાલને હાની પહોંચાડતા દીપડાઓ ઉપર વોચ વધારવા માટે વન વિભાગ દ્વારા ટેકનોલોજીની મદદ લેવાઈ રહી છે,
જેમાં રેસ્ક્યૂ કરવામાં આવેલા દીપડાઓની પૂંછડીની અંદર એક માઈક્રોચીપ લગાવવામાં આવી રહી છે, જેના થકી દીપડા અંગેની પૂરતી માહિતી મળી રહે છે.
દીપડાઓ પર ટેકનેલોજી દ્વારા વોચ: તાપી અને ડાંગ જિલ્લાની સરહદનો જંગલ વિસ્તાર દીપડાનું હબ ગણવામાં આવે છે. પરંતુ હવે ધીમે ધીમે જંગલોનો નાશ થતાં આ જંગલી હિંસક પ્રાણીઓ માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે તેમજ પાલતુ પ્રાણી માટે હિંસક બની રહ્યા છે. ત્યારે તાપી જિલ્લા વન વિભાગ દ્વારા આવા દીપડાઓ પર ટેકનોલોજી દ્વારા વોચ વધારવા માટે તેમજ માનવ અને પાલતુ પશુઓને રક્ષણ આપવા માટે તકનિકી મદદ લેવાઇ રહી છે.
જ્યારે પણ કોઈ દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવે છે, ત્યારે તેની પૂંછડીની અંદર એક ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ ફીટ કરી દેવામાં આવે છે અને ફરી તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે.
આ માઈક્રોચીપ લગાવવાથી જ્યારે ફરી દીપડો પકડાય ત્યારે તેની તમામ હિસ્ટ્રીઓ જાણી શકાય છે, આ પ્રક્રિયા દ્વારા વન વિભાગને જંગલી પ્રાણીઓ અંગેની પૂરતી માહિતી પણ પ્રાપ્ત થશે. તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષની અંદર 60 જેટલી ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ મૂકવામાં આવી છે.
''છેલ્લા પાંચ વર્ષથી તાપી જિલ્લામાં દીપડાની વસ્તી વધી છે અને વન વિભાગ દ્વારા જ્યારે પણ દીપડાનું રેસક્યું કરવામાં આવે, ત્યારે તેની પાછળના ભાગમાં ઍક આર,એફ,આઇ,ડી નાની એક ચિપ મુકી દેવામાં આવે છે, અને જે રીતે બર્કોડ રીડર કામ કરતા હોય તે રીતે તેનું રીડર કામ કરે છે, અને ચિપના નંબર હોય છે અને એ નંબરમાં અમે દીપડા વિશેની માહિતીઓ મૂકીએ છીએ અને ડોક્ટર પણ તેની ચકાસણી કરે તો તેની પણ માહિતી તેમાં મુકવામાં આવે છે, અને એક ડેટા બેઝ ક્રિયેટ કરવામાં આવે છે અને ફરી જ્યારે ચિપ લગાડેલા દીપડાનું રેસ્કયું કરવા આવે તો તેની બધી માહિતી જાણી શકાય છે'' -પુનિત નૈયર, DFO, તાપી