ભાવનગર: લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી બોરતળાવ વોર્ડમાં લોકો સમક્ષ મોંઘવારી, શિક્ષણ અને કૃષ્ણકુમારસિંહજીના મુદ્દાને લઈને ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે. ત્યારે ETV ભારતની ટીમ લોકોનો પ્રતિસાદ જાણવા માટે લોકો વચ્ચે પહોંચી હતી અને લોકોના મુદ્દાઓ અને ઇન્ડિયા ગઠબંધનને લઈને લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.
![ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-04-2024/rgjbvn01aamaadmidortodorpracharrtuchirag7208680_29042024122650_2904f_1714373810_711.jpg)
'અત્યારે જે મહત્વનો મુદ્દો છે બેરોજગારી. ભાજપે કોઈ રોજગારી આપી નથી. નાનામાં નાના માણસને શિક્ષણ ફ્રી મળવું જોઈએ. અમે સ્વચ્છતા, બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છીએ. અત્યારે ખૂબ સમર્થન અમને મળી રહ્યું છે. લોકોએ પોતાની સમસ્યાઓ દર્શાવી છે કે મોંઘવારી છે, સ્વચ્છતાના મુદ્દા અને શિક્ષણના મુદ્દા જણાવી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવામાં આવે તે અમારી પહેલી પણ માંગ છે.' - મહેન્દ્રસિંહ સરવૈયા (પ્રમુખ, બોરતળાવ વોર્ડ,આમઆદમી પાર્ટી,ભાવનગર)
![ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-04-2024/rgjbvn01aamaadmidortodorpracharrtuchirag7208680_29042024122650_2904f_1714373810_420.jpg)
આમ આદમી પાર્ટી પાંખના મહિલા આગેવાને મહિલાઓની સમસ્યાઓને લઈને શું કહ્યું ?
ડોર ટુ ડોર પ્રચાર કરતા આમ આદમી પાર્ટી પાંખના મહિલા આગેવાન સોનલબેન પટેલે જણાવ્યું હતું કે અમે જ્યારે લોકોની વચ્ચે જઈએ છીએ કે ઘરે જઈએ છીએ, ત્યારે મહિલાઓનો પહેલો પ્રશ્ન એ હોય છે કે અમને પૂરતું પાણી નથી મળતું. સૌથી મોટી પ્રશ્ન હોય છે કે મોંઘવારી એટલી છે કે ઘરનું અમારે પૂરું નથી થતું. ગમે એટલા પૈસા હોય તોય પૂરું નથી થતું. એટલે મહિલાઓના નાના મોટા એવા અનેક મુદ્દાઓ છે કે જે મહિલાઓ અમારી સમક્ષ રજુ કરે છે. જેમ કે મહિલાઓને એક એક હજાર રૂપિયા સન્માન રાશિ આપવામાં આવે, મહિલાઓને બસ સુવિધા ફ્રી કરવામાં આવે જેથી તેના ઘણા પૈસા બચી જશે તો તે બીજી જગ્યાએ લોકો વાપરી શકશે.
![ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-04-2024/rgjbvn01aamaadmidortodorpracharrtuchirag7208680_29042024122650_2904f_1714373810_710.jpg)
કોંગ્રેસની ભૂમિકા પ્રચારમાં પણ અહમ કેમ ?
ભાવનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા નથી. પરંતુ ઇન્ડિયા ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના પ્રચાર અર્થે આમ આદમી પાર્ટી સાથે કોગ્રેસ તાલથી તાલ મેળવીને પ્રચારમાં રસ લઈ રહી છે. ત્યારે આ મામલે મહિલા કોંગ્રેસના મુમતાઝબેને જણાવ્યું હતું કે કોંગ્રેસ તો પોતાનો રોલ એ માટે ભજવે છે કે ઓલ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને બે જ ટિકિટ ભરૂચ અને ભાવનગરમાં ફાળવવામાં આવી છે. એમને અમે પુરો સપોર્ટ કરીએ છીએ. જો ઇન્ડિયા ગઠબંધન જીતશે તો એ કોંગ્રેસની પણ જીત હશે અને આમ આદમી પાર્ટીની પણ જીત હશે. અમને પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ છે. અમે પ્રચાર કરીએ છીએ ત્યાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
![ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-04-2024/rgjbvn01aamaadmidortodorpracharrtuchirag7208680_29042024122650_2904f_1714373810_463.jpg)