તાપી : ઉત્તર ગુજરાતમાં સ્થિત તાપી જિલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જિલ્લો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ અહીં જંગલ વિસ્તારમાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. સોનગઢના ગાઢ જંગલમાં આવેલા ધોધ-ઝરણા જીવંત બનતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. એમાં પણ એકવા ગોલણ ગામનો ધોધ જીવંત બનતા પ્રવાસીઓ માટે ફરવા લાયક સ્થળ બની રહ્યો છે.
એકવા ગોલણ ધોધ : ગાઢ જંગલોની વચ્ચે લગભગ 200 ફૂટની ઊંચાઈથી પડતો આ ધોધ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગાઢ જંગલોની વચ્ચે ત્રણ જેટલા ધોધ પડે છે, તેને માણવા માટે ટ્રેકિંગ પ્રેમી પ્રવાસીઓ આવી રહ્યા છે. પરંતુ આ ધોધ સુધી પહોંચવા માટે લગભગ બે કિલોમીટર જેટલું જંગલ વિસ્તારમાંથી ટ્રેકિંગ કરવું પડે છે. જેના કારણે પ્રવાસીઓ અહીં જવાનું ટાળી રહ્યા છે. જો વન વિભાગ આ ધોધ સુધી પહોંચવા માટે રસ્તો બનાવી આપે તો સ્થાનિક લોકો માટે રોજગારીની તકો પણ ઊભી થઈ શકે છે.
કેવી રીતે પહોંચશો ? આ ધોધ સુધી પહોંચવા માટે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતેથી આશરે 50 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. ધોધ સુધીની સફરમાં મહારાષ્ટ્ર રાજ્યને ઓળંગીને પહોંચવું પડે છે. એકવા ગોલણ ગામ સુધી પહોંચવા ગુજરાતના બેડકી પાડા થઈ મહારાષ્ટ્રના આપડાથી ફરી પાછું ગુજરાતના એકવા ગોલણ ગામમાં આવું પડે છે.
પર્યટન સ્થળ તરીકે વિકાસ : એકવા ગોલણ ગામના સ્થાનિક મનીષભાઈ ગામીતનું કહેવું છે કે, જૂન-જુલાઈમાં અમારા ગામમાં ત્રણ ધોધ સક્રિય થાય છે. આશરે ઓક્ટોબર-નવેમ્બર સુધી ધોધ સક્રિય રહે છે. જો સરકાર દ્વારા ધોધ સુધી રસ્તો બનાવવામાં આવે તો ગામના લોકોને રોજગારી મળી રહે અને પર્યટકોને અલગ કંઈક જોવાલાયક સ્થળ મળી શકે છે.