ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે એક મોટી દુર્ઘટનાથી હાહાકાર મચી ગયો છે. એક જ ગામના અંદાજિત 8 યુવાઓના મોતથી ગામમાં માતમ પ્રસરી ગયું છે. એક જ ગામમાંથી આઠ લોકોની અર્થી નીકળતા આખું ગામ હિબકે ચડ્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં 10 લોકો ડૂબી જતાં 8ના મૃતદેહો મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગણેશ વિસર્જનની સાથે કેટલાક લોકો નદીમાં નહાતા હતા. નહાતા નહાતા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
એક જ ગામના આઠ લોકોના મોત: વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઈ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવા રવાના થયા હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી નહાવા માટે નદીમાં કૂદયા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઈ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત થતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. યુવકોના મૃતદેહને દેહગામ સીએચસી સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા હતા.
આ ગોઝારી ઘટના વિશે તંત્રના અધિકારીએ જણાવ્યું કે નદીની બહાર આઠ જેટલા વ્યક્તિના કપડાં પડ્યા હતા અને તરવૈયાઓને 8 જ લોકોના મૃતદેહો મળ્યા છે. તેમ છતાં અમે ગામના લોકો અને આજુબાજુના લોકોને કહ્યું છે કે જો કોઈ ગુમ હોય તો તેના વિશે જાણકારી આપે જેથી શોધખોળ અભિયાન આગળ ચાલુ રાખી શકાય.
ગણેશ વિસર્જન માટે કોઈપણ પ્રકારની સુવિધા ઉભી કરાઈ ન હતી: અધિકારીને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ગણેશ વિસર્જન માટે આવી જોખમી જગ્યા પર પહેલાથી તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે નહીં? તો તેના પર અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આ મામલે તપાસ હાથ ધરી છે. તેમની પાસે પણ આવી કોઈ જાણકારી ન હતી. જેનાથી એ સાબિત થાય છે કે જોખમી વિસ્તાર હોવા છતાં કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હોતી અને યુવાનો ગામના લોકો આવે તે પહેલાં જ નહાવા કૂદી પડતાં આવી હોનારત સર્જાઈ.
મૃતકોના નામોની યાદી
- સોલંકી વિજયજી હાલુસિંહ (30 વર્ષ) વાધાવત, તા- કપડવંજ, જિલ્લો- ખેડા
- ચૌહાણ ચિરાગકુમાર પ્રકાશસિંહ (19 વર્ષ) વાસણા, સોગઠી
- ચૌહાણ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ (18 વર્ષ) વાસણા, સોગઠી
- ચૌહાણ મુન્નાભાઈ દિલિપસિંહ (23 વર્ષ) વાસણા, સોગઠી
- ચૌહાણ રાજુકુમાર બચુસિંહ (28 વર્ષ) વાસણા, સોગઠી
- ચૌહાણ પૃથ્વી દલપતસિંહ (20 વર્ષ) વાસણા, સોગઠી
- ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી
- ચૌહાણ સિદ્ધરાજ ભલસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી
આ પણ વાંચો