જામનગર : જાણીતા વકીલ હારૂન પલેજાની હત્યા મામલે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી છે. વકીલની હત્યા કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જામનગરની કુખ્યાત સાયચા ગેંગના 15 લોકો વિરુદ્ધ નોંધાયો હત્યા ગુનો નોંધાયો છે. બેડી વિસ્તારમાં 13 માર્ચના રોજ જાણીતા વકીલની સરાજાહેર હત્યા થઈ હતી.
જામનગર વકીલ હત્યાકાંડ : જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, જામનગરના બેડી વિસ્તારમાં થોડા દિવસો પહેલાં એડવોકેટની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા એક પછી એક આરોપીની અટકાયત કરી છે. અત્યાર સુધી 8 આરોપીઓને પોલીસે દબોચ્યા છે. ગઈકાલે વધુ બે આરોપીને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.
8 આરોપી ઝડપાયા : બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂનભાઈ પલેજાની હત્યા મામલે કુખ્યાત સાયચા ગેંગ સહિતના શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનામાં આરોપીઓને પકડી પાડવા માટે SP પ્રેમસુખ ડેલુએ DySP જે. એન. ઝાલાના વડપણ હેઠળની SIT તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે વધુ બે આરોપી ઈમરાન નૂરમામદ સાયચા અને રમજાન સલીમ સાયચાની અટકાયત કરી છે.
પોલીસ કાર્યવાહી : બંને આરોપીના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આગામી 2 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પોલીસ દ્વારા અન્ય શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આ હત્યા કેસમાં હજુ 7 આરોપી પોલીસ પકડથી બહાર છે. SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, બાકીના આરોપીને એક સપ્તાહમાં ઝડપી લેવામાં આવશે.