મહેસાણા : ભારતીય બંધારણ અને કાયદાએ થર્ડ જેન્ડરને સમાજમાં એક ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેમ થર્ડ જેન્ડરના નાગરિકોને પણ ચૂંટણીમાં ખાસ મહત્વ આપવામાં આવે છે. આથી ભારતના તમામ નાગરિકોને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે.
મતદાન જાગૃતિ માટે પ્રયાસ : લોકસભા ચૂંટણી ટાણે મતદાન જાગૃતિ દ્વારા કિન્નર સમાજ પણ સૌથી વધુ મતદાન કરે તે માટે વહીવટી તંત્રએ પ્રયાસ કર્યો છે. મહેસાણાના બહુચરાજીમાં મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા કિન્નર સમાજને મતદાન માટે વિનંતી કરવામાં આવી હતી. જેથી બહુચરાજીમાં વસતા કિન્નર સમાજ પણ મોટી સંખ્યામાં મતદાન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કિન્નર સમાજ સાથે મુલાકાત : મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં માઁ બહુચરના મંદિર વિસ્તારમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજ વસવાટ કરે છે. લોકસભા ચૂંટણી 2024 માં કિન્નર સમાજ પણ પોતાના મતદાનનો ઉપયોગ કરે અને મતદાનના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરે તે આશયથી વહીવટી તંત્રએ પહેલ કરી છે. મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા અહીં વસતા કિન્નર સમાજને મતદાન કરવા વિનંતી કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ :બહુચરાજી મંદિર ખાતે મહેસાણા જિલ્લા કલેક્ટર એમ. નાગરાજને રૂબરૂ પહોંચી વ્યંઢળ સમાજને મતદાન કરવા વિનંતી કરી હતી. બહુચરાજીમાં જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ રૂબરૂ મુલાકાત કરી હતી. બહુચર માતાજીના દર્શન કરી વ્યંઢળ સમાજના માસીબાઓની મુલાકાત લીધી હતી. શક્તિપીઠ બહુચરાજીએ વ્યંઢળ સમાજની ગુરુગાદી છે. મોટી સંખ્યામાં વ્યંઢળ બહુચરાજી સ્થાનકમાં રહે છે. ત્યારે જિલ્લા કલેકટર એમ. નાગરાજને વ્યંઢળોને મતદાન માટે કરવા અપીલ કરી અને વ્યંઢળ સમાજને પૂરેપૂરું મતદાન કરવા આગ્રહ કર્યો હતો.