અમદાવાદ : નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓ તથા સિનિયર સિટિઝન અને નાનાં બાળકોની સુરક્ષા માટે ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી 160 જગ્યાએ ઈડ કેમેરા (વિડીયો બોક્ષ) મૂકવામાં આવ્યા છે. જેમાં રોજના 50 થી 60 કોલ મળી રહ્યા છે. જોકે, અમદાવાદીઓ માત્ર કોલ કરીને જાણી રહ્યા છે કે, બોક્સ ચાલુ છે કે કેમ.
ઈડ કેમેરા (વિડીયો બોક્ષ) : શહેરમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અલગ અલગ વિસ્તારમાં ઈડ કેમેરા એટલે કે વિડીયો બોક્ષ લગાવવામાં આવ્યા છે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સોફ્ટવેરના આધારે ઓપરેટ કરવામાં આવે છે. શહેરમાં કુલ 205 કેમેરા લગાવવામાં આવવાના છે, જે પૈકી 160 કેમેરા હાલ કાર્યરત છે. જે કેમેરા હાઈ રિઝોલ્યુશન અને સેન્સર આધારિત રાખવામાં આવ્યા છે.
કેવી રીતે ઉપયોગ કરશો ? આ બોક્સમાં મદદ માંગનારને એક લાલ બટન દબાવવાનું રહેશે અને તુરંત જ સામેથી પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરા એક્ટિવ થઈ જશે. બટન દબાવનારના વિઝ્યુઅલ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે. સાથે જ ટુ વે કોમ્યુનિકેશન એટલે પોલીસ અને મદદ માંગનાર બન્ને એક બીજા સાથે વાત કરી શકશે. બટન દબાવવાની સાથે જ જે જગ્યાએ બટન દબાયુ હોય તેની આસપાસ રહેલ 181, સી ટીમ અથવા પોલીસની વાન જે નજીક હોય તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જશે.
બટન દબાવો, પોલીસ પહોંચી જશે : આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર અને નિર્ભયા પ્રોજેક્ટના નોડલ ઓફિસર અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદના લોકો દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી રોજના સરેરાશ 50 થી 60 વખત ઈડ કેમેરાનું લાલ બટન દબાવી રહ્યા છે. જોકે, તેઓ તપાસી પણ રહ્યા છે કે, પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી કે કેમ ? જોકે આ તમામ વખતે કંટ્રોલ રૂમ તરફથી નજીકના લોકેશન પર રહેલ PCR વાનને માહિતી મોકલતા જ પોલીસની ગાડી 3 થી 5 મિનિટના સમયગાળામાં ઘટનાસ્થળે પહોંચી પણ ગઈ હતી.
ખાસ કંટ્રોલરૂમ કાર્યરત : આ પ્રોજેક્ટ માટે પોલીસ કમિશનર કચેરીમાં કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ ટ્રેનિંગ લીધેલા 180 થી વધુ પોલીસ કર્મચારીઓ સતત 24 કલાક મોનિટરિંગ કરી રહ્યા છે. ઈડ કેમેરાથી કોઈ પણ મદદ માંગનારની નજીકમાં હોય તેવી PCR વાન, શી ટીમ, 181ની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવે છે, જેથી તેઓ જલ્દીથી જલ્દી મદદ માંગનાર સુધી પહોંચી શકે.