સુરત : ફરી એક વખત ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ અને યુનિવર્સિટી ડિગ્રી સર્ટિફિકેટ બનાવતા હતા. આ સમગ્ર પ્રકરણમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ ત્રણ લોકો વોન્ટેડ છે. આ ડુબ્લીકેટ માર્કશીટ કૌભાંડના તાર UK અને કેનેડા સુધી જોડાયા છે.
ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ : સિંગણપોર પોલીસ બાદ હવે ઉત્રાણ પોલીસે ડુબ્લીકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઉત્રાણ પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટિંગ કરનાર યુવકની ડુબ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સંજય ગેલાણીની બે ઓફિસમાં રેડ કરી હતી. પોલીસે નીલકંઠ નરસિંહ, સંજય ગેલાણી, બોની વિનોદ તાળા, વૈભવ તાલા, ધ્રુવીન પોટીયા અને વિશાલ નામના ઇસમો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રણ આરોપી ઝડપાયા : ઉત્રાણ પોલીસે સંજય, ધ્રુવીન અને વિશાલની ધરપકડ કરી છે. આ આરોપીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુબ્લીકેટ માર્કશીટ બનાવી લોકોને આપતા હતા. ખાસ કરીને ધોરણ 10 અને 12 ની નકલી માર્કશીટ બનાવી આપતા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપી વોન્ટેડ છે. જેમાંથી બે આરોપી UK અને કેનેડામાં રહી ત્યાં જરૂરત હોય તેવા વિદ્યાર્થીઓ માટે માર્કશીટ બનાવવા હતા.
અન્ય રાજ્યોના એજન્ટ : આરોપી ધ્રુવીન કોઠીયાએ પોલીસને જણાવ્યું હતું કે, કેનેડામાં અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓની ફાઈલ નીલકંઠને મોકલી આપતો. ધોરણ 10 અને 12 તેમજ ડિગ્રી સર્ટિફિકેટની જરૂર ધરાવતા ક્લાઈન્ટની શોધ આ લોકો કરતા હતા. માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યના એજન્ટ થકી તેઓ ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપતા હતા. ધ્રુવીન નવા નવા ક્લાઈન્ટનો સંપર્ક નીલકંઠને કરાવી આપતો હતો, જેના બદલામાં 15 થી 20 હજાર રૂપિયા લેતો હતો.
પોલીસ રેઈડ : સુરત પોલીસ DCP રાકેશ બારોટે જણાવ્યું હતું કે, ઉત્રાણ પોલીસને માહિતી મળી હતી કે મહારાષ્ટ્રમાં કોઈ ઈસમ નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવે છે. જાન્યુઆરી મહિનામાં આ માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં માસ્ટર માઈન્ડ સંજયની બે ઓફિસની અંદર મોબાઈલ અને અન્ય ફાઈલ તથા અનેક માર્કશીટ પણ મળી આવી હતી.
શૈક્ષણિક સંસ્થા સાથે ક્રોસ ચેક : માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે તે જે તે યુનિવર્સિટીને મોકલી આપવામાં આવ્યા હતા. જે તે યુનિવર્સિટીને લેટર લખીને સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવ્યા છે તે વેરીફાઈ કરવા માટે જાણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત અન્ય એક યુનિવર્સિટી તરફથી માહિતી આપવામાં આવી હતી કે, આ તમામ સર્ટિફિકેટ તેમની દ્વારા ઇસ્યુ કરાયા નથી. હજુ પણ કેટલીક યુનિવર્સિટીમાં પત્ર લખી માહિતી માંગવામાં આવી છે, જે અત્યાર સુધી આવી નથી તેની કાર્યવાહી હાલ ચાલુ છે.
ત્રણ આરોપી વોન્ટેડ : DCP રાકેશ બારોટે વધુમાં જણાવ્યું હતું કે, આ માહિતી બાદ ઉત્રાણ પોલીસ મથકમાં આ સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખોટી માર્કશીટ બનાવી કાવતરું કરવા અંગેની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલમાં સંજય ગેલાણી, વિશાલ અને ધ્રુવીન કોઠીયાની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણ આરોપીઓને હાલ વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. હાલમાં બે વિદેશમાં છે અને એક વોચ આઉટ છે.
મુખ્ય સૂત્રધાર સંજય : તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સંજય મુખ્ય સૂત્રધાર છે. સંજય ગેલાણી ટુરીસ્ટ વિઝાની કામગીરી કરે છે. દિલ્હી અને અન્ય રાજ્યોના માણસો સાથે સંપર્ક કરી જે વિદ્યાર્થીઓને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય તે મુજબ આરોપી ડિગ્રી અને માર્કશીટ મંગાવે છે.
અધધ નકલી ડિગ્રી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી 24 જેટલા બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર મામલે યુનિવર્સિટીએ કન્ફર્મ કર્યું કે આ સર્ટિફિકેટ તેમની દ્વારા ઇસ્યુ કરેલ નથી. કુલ 217 ડિગ્રીમાંથી અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રની 24 જેટલી બોગસ ડિગ્રી સામેલ છે. ગુજરાતની કેટલીક યુનિવર્સિટીમાં કેટલાક લોકો સામેલ છે. 6 ડિગ્રી કેતન જેઠવાએ બનાવી આપી હતી. જેમાંથી ચાર લોકો હાલ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. જે લોકો બોગસ ડિગ્રી સાથે વિદેશ ગયા છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.
સિંગણપોર નકલી ડિગ્રી કૌભાંડ : અગાઉ સિંગણપુર પોલીસે ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. સિંગણપોરમાં નકલી માર્કશીટ પ્રકરણમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ બાદ દિલ્હીમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. રાહુલ શેની નામના આરોપી પાસેથી સુરત સહિત અન્ય રાજ્યોના એજન્ટોએ માર્કશીટ બનાવી હતી.