સુરત: મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલા લેક ગાર્ડન નજીક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડ પર સવાર બે યુવતીઓને અડફેટે લીધા હતા. એક યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં એમ્બ્યુલન્સ મારફતે નજીક આવેલા પીપી સવાની હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
ઘટના સીસીટીવીમાં કેદ: આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કઈ રીતે ડમ્પર ચાલક બેફામ રીતે રોડ પર ડમ્પર ચલાવી રહ્યો છે. આ અકસ્માતમાં સુરત શહેરના સરકારના વિસ્તાર ખાતે આવેલા સમ્રાટ રો હાઉસમાં રહેતી યુવતી પોતાની પિતરાઈ બહેન સાથે ક્લિનિક પર જવા માટે નીકળી હતી. તે દરમિયાન આ ડમ્પર ચાલકે તેમને લીધા હતા. અકસ્માતના કારણે બંને બહેનો મોપેટ પરથી નીચે પટકાઈ ગઈ હતી. જેમાં યુવતીને ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ટ્રાફિક પોલીસની બેદરકારી: અત્રે ઉલ્લેખનીય છે કે ડમ્પર અને હેવી વ્હિકલ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એક સમય મર્યાદા દરમિયાન તેઓ સુરત શહેરમાં પ્રવેશ કરી શકે નહીં. માત્ર રાત્રે જ હેવી વ્હીકલને સુરત શહેરમાં પ્રવેશની પરવાનગી છે તેમ છતાં પ્રતિબંધિત સમય દરમિયાન ડમ્પર બેફામ સુરત શહેરમાં જોવા મળતા ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. બપોરે સવા બાર વાગ્યે આ ઘટના બની હતી.
સીસીટીવી કેમેરાના આધારે ડમ્પર ચાલકની શોધખોળ પોલીસ કરી રહી છે. અકસ્માત થતાં ડમ્પર લઈને આગળ ગયો અને ત્યાં ડમ્પર મૂકીને નાસી ગયો છે. ડમ્પર ચાલક વિરુદ્ધ સીસીટીવી ફૂટેજના આધારે ચાલકની ધરપકડ કરવા માટે તમામ તપાસ શરૂ કરવામાં આવી છે. - એ. ડી. મહંત, ઉત્રાણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર