નવસારી: જિલ્લામાં છેલ્લા 48 કલાકથી દેમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરી સાથે દરિયા કિનારે વસેલા ગામડાઓમાં પણ કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. જલાલપોર તાલુકાના બોરસી ગામના દરિયા કિનારે પ્રોટેક્શન દિવાલ ન હોવાથી દરિયાના પાણી ગામમાં પ્રવેશવાની તૈયારી છે. છેલ્લા દસ વર્ષથી ગ્રામજનોની રજૂઆત બેસર થઈ છે.
નવસારી જિલ્લાને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની કક્ષામાં મૂકવામાં આવ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. જલાલપુર તાલુકાના બોરસી ગામની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા દસ વર્ષથી દરિયા કિનારે પ્રોટેક્શન દિવાલ બની નથી, જેને કારણે ચોમાસમાં ગાંડાતૂર બનતો દરિયો કિનારે વસેલા ઘર સુધી પહોંચે છે. ધસમસતા દરિયાનો પ્રવાહ ગામમાં પ્રવેશે છે અને કેટલા ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાથી ગ્રામજનો પીડાય રહ્યા છે.
આ વખતની સીઝનમાં દરિયાનો કરંટ એટલો વધ્યો છે કે, દરિયા કરંટ ધરાવતું પાણી સીધું જ ગામમાં પ્રવેશવાની સંભાવના છે. જેને કારણે બોરસીના ગ્રામજનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય સાંસદ સહિત તમામ સરકારી કર્મચારીઓ તથા કચેરીઓમાં પ્રોટેક્શન દિવાલની બનાવવાની લઈને માંગ કરી છે. પ્રોટેક્શન દિવાલ બોરસી ગામથી થોડે દૂર આવેલા માછીવાડમાં બની છે, પરંતુ બોરશી ગામમાં હજુ સુધી આ પ્રોટેક્શન દિવાલ બની નથી જે દરિયાને ગામમાં પ્રવેશ તો અટકાવી શકે.