તાપી: જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક જોવા મળી હતી, જેમાં જિલ્લાના 11 જેટલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા ઓલન પૂર્ણા નદીમાં ભારે પાણીની આવક થતા તમામ નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી. જિલ્લામાં સવારથી સાર્વત્રિક મેઘમહેર થયો હતો. આજ સવારથી પડી રહેલ અવિરત વરસાદને પગલે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 11 જેટલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળવાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જિલ્લાની વાત કરીએ તો વાલોડ તાલુકાના પાંચ ડોલવણ તાલુકાના ત્રણ તેમજ વ્યારા તાલુકાના ત્રણ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાની સાથે ગ્રામીણ વિસ્તારના લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ડોલવણ તાલુકાના પંચોલ ગામના રહેવાસી જયેશભાઈએ પડતી મુશ્કેલીઓ અંગે માહિતી આપી હતી કે, પુલ પાણીમાં ગરકાવ થવાથી બાળકોનું ભણતર બગડે છે અને છેલ્લા 20 વર્ષથી આ ચોમાસા દરમિયાન આ તકલીફ રહે છે. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને તેઓ ગત વર્ષે પુલ જોવા આવ્યા હતા. પરંતુ હજુ સુધી કઈ કરવામાં આવ્યું નથી. અમારી માંગ છે કે અહી ઉચો પુલ બને.